Gyanprakash Swami Controversy : વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને માફી માગશે તથા સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ ખુલાસો આપવામાં આવશે. તેમ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આજે જામનગરમાં જણાવ્યું હતું.
સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામબાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આજે જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું, કે પૂજ્ય બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે. તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. આમ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે.
આજની આ પત્રકાર પરિષદમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની સાથે અગ્રણીઓ રમેશભાઈ દંતાણી અને ગિરીશભાઈ ગણાત્રા પણ જોડાયા હતા.

