સી.એલ. મીના (નિવૃત્ત આઇએએસ)ના વડપણ હેઠળની તજજ્ઞ સમિતિ દ્વારા જણાવાયું કે, ગુજરાતમાં બિનખેડૂત વ્યક્તિ ખેતી અથવા ખેતી સિવાયના હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકે …?

Reena Brahmbhatt
3 Min Read

અમદાવાદ, તા. 1 : ગુજરાતમાં બિનખેડૂત વ્યક્તિ ખેતી અથવા ખેતી સિવાયના હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકે તે માટે બિનખેતીની પરવાનગીમાં સરળીકરણ માટે રચાયેલી સી.એલ. મીના (નિવૃત્ત આઇએએસ)ના વડપણ હેઠળની તજજ્ઞ સમિતિ દ્વારા વિષદ અભ્યાસ બાદ હાલમાં સરકારને તે અંગે અહેવાલ સુપરત કરાયેલો છે, જેમાં બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે તેવી મંજૂરી સરકાર આપે, તો કયા ભય સ્થાન છે અને ફાયદા થાય તેમ છે, તે વિશે પણ ભલામણો કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિ ખરીદી શકે તે બાબત ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ છે. નવાં વર્ષમાં આ નિર્ણય લેવાય તો એક ક્રાંતિકારી પહેલ હશે, જેનાથી જમીનની કિંમત સોનાની લગડી બની જશે. સમિતિના તારણ, ભલામણો અને ટિપ્પણી મુજબ હાલ ખેતીને જમીનને લગતી જે કાયદાકીય જોગવાઇઓ છે, તેના કારણે ઉદ્યોગો સ્થાપવા માગતા ઉદ્યોગ સાહસિકો જલદી આગળ આવતા નથી, તેના કારણે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ રૂંધાય છે. એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીન આવશ્યક છે, પરંતુ તે ખેતીની જમીન ખરીદીને કૃષિ આધારીત ઉદ્યોગો સ્થાપી શકતા નથી.

- Advertisement -

જો કેટલીક કલમોમાં સુધારો કરાય તો ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે, એટલું જ નહીં કૃષિ આધારીત ઉદ્યોગોથી રાજ્યનો વધુ વિકાસ થશે. ગુજરાતમાં હાલ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948, કલમ 63, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીનનો વટહુકમ અને ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958-કલમ 89 એમ ત્રણ ગણોત કાયદાની જોગવાઇના કારણે કોઇ બિનખેડૂત વ્યક્તિ ખેતી અથવા ખેતી સિવાયના અન્ય હેતુ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માગતો હોય, તો પણ સીધી રીતે ખેતીની જમીન ખરીદી શકતા નથી. આ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.

સમિતિની ભલામણ મુજબ આવા પ્રતિબંધના કારણે આ મુશ્કેલીઓ નિવારવા અને ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય તરીકે વિશ્વના ફલક ઉપર મૂકવા આવા પ્રતિબંધો હળવા કરવા કે દૂર કરવા જરૂરી જણાય છે. તે માટે રાજ્યમાં ખેતીની જમીન કોઇપણ વ્યક્તિ ખરીદી શકે તેવી સુધારેલી જોગવાઇને દાખલ કરીને પ્રતિબંધો હળવા કરી શકાય કે દૂર કરી શકાય તેમ જણાવાયું છે. આ માટે કોઇપણ વ્યક્તિ ગુજરાતમાં ખેતીની જમીન ધારણ કરી શકે, પરંતુ તે ધારણ કરવાની મર્યાદા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા કરતા વધુ નહીં હોય તેવી જોગવાઇ કરી શકાય. રાજ્યના ઉચ્ચ સનદી અધિકારી દ્વારા તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની મુલાકાત લઇ આપેલા અહેવાલ મુજબ આ રાજ્યોમાં મહેસૂલી કાયદાની જોગવાઇ મુજબ કોઇપણને ખેતીની જમીન ખરીદવા મંજૂરી અપાય છે.

- Advertisement -
Share This Article