ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર,

newzcafe
4 Min Read

ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર,


ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર, મહારાષ્ટ્રથી 52% આગળ; કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ પાર્ટ્સની સૌથી વધુ નિકાસ


કોરોનાકાળમાં ઉદ્યોગ-ધંધા પર નકારાત્મક અસર પડ્યા પછી પણ ગુજરાત ફરી દેશનું સૌથી મોટું નિકાસકાર બની ગયું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાંથી મળતી માહિતી પ્રમાણે, 2019માં એટલે કે કોરોના મહામારી પહેલાની તુલનામાં આ વર્ષે નિકાસ બમણી થઈ ગઈ છે. વર્ષ 2019માં 63,448 મિલિયન ડૉલરની નિકાસ થઈ હતી, જ્યારે વર્ષ 2023 સુધી આ આંકડો વધીને 123,906 મિલિયન ડૉલરે પહોંચી ગયો છે.


સમગ્ર દેશની નિકાસ 702.88 બિલિયન ડૉલર


ગુજરાતમાંથી વર્ષ 2019-20, 2020-21, 2021-22, 2022-23માં અનુક્રમે 151.96, 149.30 અને 165.60 મિલિયન મેટ્રિક ટન સામાન બીજા દેશોમાં મોકલાયો છે. દેશના સૌથી વધુ નિકાસ કરતા રાજ્યોમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર છે. ત્યાં વર્ષ 2022-23માં 59,444 મિલિયન ડૉલરની નિકાસ થઈ હતી, જે ગુજરાત કરતા 52% ઓછી છે. આ ઉપરાંત સમગ્ર દેશની નિકાસ 702.88 બિલિયન ડૉલર છે, જ્યારે આયાત 817.47 ડૉલર છે.


સર્વિસ ક્ષેત્રમાં પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું


ઉદ્યોગ-ધંધાના વિકાસ ક્ષેત્રે ગુજરાત સતત આગળ ધપી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સતત પહેલા સ્થાને રહ્યા પછી ફરી વર્ષ 2022-23માં પણ પહેલા ક્રમે છે. ઉદ્યમ પોર્ટલના મતે, વર્ષ 2019-2023માં કુલ 11.40 લાખ નવા એમએસએમઈ નોંધાયા. રાજકોટમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ, સુરતમાં સાડી અને અમદાવાદમાં કેમિકલ, મેડિકલના સાધનોની નિકાસના કારણે ગુજરાત આજે દેશમાં અગ્રેસર છે. અમેરિકા, યુ.કે. ચીન, નેધરલેન્ડ, ખાડી દેશો અને યુરોપના અન્ય દેશો સહિત દુનિયાના દસ મોટા દેશમાં ભારત સૌથી વધુ નિકાસ કરી રહ્યું છે. આ ઉપરાંત સર્વિસ ક્ષેત્રમાં પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, આરોગ્ય, શિક્ષણ, આઈટી જેવા ક્ષેત્રો પણ સતત વિકસી રહ્યાં છે.


રોજગારી સર્જનનો ગુજરાતમાં આ આંકડો 306


નેશનલ સેમ્પલ સરવે ઓફિસના તાજા આંકડા પ્રમાણે, ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રતિ એક હજારે રોજગારી સર્જનનો આંકડો 242 છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 306 છે. સર્વિસ ક્ષેત્રે પણ પ્રતિ હજારે રોજગારીની સરેરાશ 683 છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 641 છે. બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ એટલે કે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને નવી-નવી પદ્ધતિઓ અમલી કરીને વેપારને પ્રોત્સાહન આપતી કંપનીઓના મામલામાં પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે.


આ ચીજવસ્તુની સૌથી વધુ નિકાસ


એન્જિનિયરિંગ પાર્ટ્સ


પેટ્રોલિયમ પદાર્થો


જેમ્સ-જ્વેલરી


કેમિકલ


ડ્રગ્સ, ફાર્મા


ટેક્સટાઈલ


ઈલેક્ટ્રોનિક્સ સામાન


કોટન અને અન્ય ફેબ્રિક


પ્લાસ્ટિક, લિનોલિયમ


ચોખા


હીરા, ડેનિમ, ડ્રગની નિકાસમાં ગુજરાત અગ્રેસર


આર્થિક સલાહકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિજય મિત્તલના મતે, ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને પેટ્રોલિયમ કેપિટલ પણ કહે છે. હાલના સમયમાં ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી) આશરે રૂ. 22,03,062 કરોડ છે, જેમાં વર્ષ 2023માં આશરે 13.3 % વધારો જોવા મળ્યો હતો.


ગુજરાત દેશમાં પહેલા અને દુનિયામાં ત્રીજા ક્રમે


ગુજરાત વિશ્વનું સૌથી મોટું પ્રોસેસ્ડ હીરાનું નિકાસકાર છે. અહીં આશરે 65-70% હીરા કટિંગ અને પોલિશ કરીને નિકાસ કરાય છે. ડેનિમ ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં પહેલા અને દુનિયામાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાંથી નિકાસ વધવાનું બીજું એક કારણ 1600 કિ.મી.નો દરિયાકિનારો પણ છે. અહીં 48 બંદર અને 18 એરપોર્ટ છે. 106 પ્રકારના ક્લસ્ટર અને આશરે 60 નોટિફાઈડ ઝોન છે.


નિકાસમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમનો


ગુજરાતમાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં આશરે 90 બિલિયન ડૉલરનું રોકાણ થયું છે, જે સૌથી મોટા રોકાણ પૈકીનું એક છે. નિકાસમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમનો છે,જે 36,842 મિલિયન ડૉલરથી વધુ છે. જ્યારે નિકાસમાં બીજા ક્રમે ડ્રગ ફોર્મુલેશન છે. ગુજરાથી આશરે 2824 મિલિયન ડૉલરનું ડ્રગ ફોર્મુલેશન વિદેશોમાં મોકલાય છે.


આ દેશોમાં સૌથી વધુ નિકાસ


અમેરિકા, યુએઈ, ચીન (પીઆરપી), બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, સિંગાપોર, હોંગકોંગ,યુ.કે., બેલ્જિયમ, જર્મની.

Share This Article