Credit Card Limit વધારવી કે નહીં? RBIના નિયમથી લઈને CUR અને Credit Score સુધી જાણો સંપૂર્ણ માહિતી
Credit Card Limit: દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસ્ટિવ સીઝનની શરૂઆત પણ થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધુ વધારો થવાની સંભાવના છે. ફેસ્ટિવ સીઝન દરમિયાન ક્રેડિટ કાર્ડના ઉપયોગને ધ્યાનમાં રાખીને ઘણી બેન્કો પોતાના ગ્રાહકોને તેની લિમિટ વધારવાની ઓફર આપી રહી છે.
અહીં ખાસ વાત એ છે કે બેન્ક પોતાની રીતે કોઈપણ ગ્રાહકની ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી શકતી નથી. RBIના નિયમ અનુસાર, બેન્ક તમારી સંમતિના આધારે જ તેનો નિર્ણય કરે છે. જો તમે ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાની ના પાડી હોય તો બેન્ક પોતાની રીતે તેને વધારી શકતી નથી. હવે સવાલ એ છે કે શું બેન્ક તમને ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાની ઓફર આપી રહી છે? તેના પર કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના ફાયદા-નુકસાન જાણી લો.
ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના ફાયદા
અમે સૌથી પહેલાં ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના ફાયદા એટલે કે નફાની વાત કરીશું. લિમિટ વધવાનો અર્થ એ થાય છે કે તમારા કાર્ડમાં પહેલેથી ઉપલબ્ધ રકમ વધુ થઈ જશે. એટલે કે જો તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ 50 હજાર રૂપિયા છે, તો તેને વધાર્યા પછી તે એક લાખ રૂપિયા અથવા તેનાથી વધુ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના ઘણા ફાયદા થાય છે.
જો તમને તાત્કાલિક અથવા ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર હોય તો તમે તમારી ક્રેડિટ કાર્ડ લિમિટની વધારેલી રકમનો લાભ લઈ શકો છો. લિમિટ સાથે ખર્ચ પણ વધે છે, જેના કારણે વધુ રિવોર્ડ્સ મળવાની સંભાવના રહે છે. જો તમે સમયસર ક્રેડિટ કાર્ડના પૈસા ચૂકવી દો છો તો તમારો સિબિલ સ્કોર મજબૂત બને છે. જો તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ વધુ હોવા છતાં તમારો ખર્ચ પહેલાની જેમ જ ઓછો રહે છે તો તેનાથી ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (CUR) ઓછો થાય છે. તેનાથી ઉપયોગનું પ્રમાણ ઓછું થાય છે. બીજી તરફ, ઓછો CUR તમારી ક્રેડિટ પ્રોફાઇલને વધુ સારી અને મજબૂત બનાવે છે. તેને ક્રેડિટ સ્કોર માટે સારું માનવામાં આવે છે.
ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નુકસાન
હવે નુકસાનની વાત કરીએ. ક્રેડિટ કાર્ડ લિમિટ વધવાથી અનેક નુકસાન પણ થઈ શકે છે. જેમ કે લિમિટ વધવાથી તમારા ખર્ચ પણ વધી શકે છે. તમે ક્યાંક શોપિંગ કરવા ગયા છો તો પહેલાં એક કે બે વસ્તુ ખરીદતા હતા, હવે વધુ પૈસા ઉપલબ્ધ હોવાથી બે વસ્તુ કરતાં વધુની ખરીદી કરી શકો છો. તેનાથી તમારા ખર્ચમાં વધારો થશે. એટલે કે ક્રેડિટ કાર્ડ લિમિટ વધવાથી ગ્રાહક પર વધારાનો ખર્ચ વધવાની આશંકા રહે છે.
જો તમારો ખર્ચ વધી ગયો અને આ દરમિયાન તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં અસમર્થ રહો છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તેના માટે તમને લેટ ફાઇન, વ્યાજ દર સહિત અન્ય હિડન ચાર્જેસ ચૂકવવા માટે મજબૂર થવું પડશે. તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડશે. ખરાબ ક્રેડિટ સ્કોર હોવાને કારણે તમને લોન લેવામાં પણ મુશ્કેલી આવી શકે છે. તેથી જરૂરી છે કે જ્યારે પણ બેન્ક તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવા માટે કહે ત્યારે તમે સૌથી પહેલાં વિચાર-વિમર્શ કરી લો અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લો. તેનાથી તમે નાણાકીય નુકસાનથી બચી શકો છો.

