નેધરલેન્ડની સામે ઇંગ્લેન્ડનો 160 રને વિજય થયો
Thursday, 09 November 2023
નેધરલેન્ડની સામે ઇંગ્લેન્ડનો 160 રને વિજય થયો
સ્ટોક્સની શાનદાર સદી, ઇંગ્લેન્ડની જીત
પૂણે તા.8: પ્લેયર ઓફ ધ મેચ બેન સ્ટોકસની શાનદાર સદી બાદ બોલરોના સહિયારા પ્રયાસથી વિશ્વ કપના આજના મેચમાં નેધરલેન્ડ વિરૂધ્ધ ઇંગ્લેન્ડનો 160 રને પ્રોત્સાહક વિજય થયો હતો. સેમિ ફાઇનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ જનાર ઇંગ્લેન્ડે આજની જીતથી તેની ચેમ્પિયન્સ ટ્રોફી-202પમાં કવોલીફાઇ થવાની આશા જીવંત રાખી છે. સારા રન અંતરના વિજયથી ઇંગ્લેન્ડની ટીમ તળિયેથી ઉંચકાઇને સાતમા નંબર પર આવી છે. જયારે નેધરલેન્ડની ટીમ તળિયે ધકેલાઇ છે. ઇંગ્લેન્ડના 9 વિકેટે 339 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડ તરફથી મીડલઓર્ડર બેટર તેજા નિદામારુને 34 દડામાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાથી 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. જયારે વેસ્લી બેરસીએ 37 અને સાઇબ્રેંડે 38 રન કર્યાં હતા. નેધરલેન્ડ હવે તેનો આખરી લીગ મેચ ભારત સામે રવિવારે રમશે. ઇંગ્લેન્ડ તરફથી સ્પિન જોડી આદિલ રશીદ અને મોઇન અલીએ 3-3 વિકેટ લીધી હતી. જયારે ડેવિડ વિલીને 2 અને ક્રિસ વોકસને 1 વિકેટ મળી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કવોલીફાઇ થવા માટે ઇંગ્લેન્ડ માટે શનિવારે રમાનાર પાકિસ્તાન સામેનો મેચ નિર્ણાયક બની રહેશે. અગાઉ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (108)ની આક્રમક સદી અને ક્રિસ વોકસ (પ1) સાથેની સાતમી વિકેટની 129 રનની ઝડપી ભાગીદારીથી નેધરલેન્ડ સામે ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ઇંગ્લેન્ડે પ0 ઓવરમાં 9 વિકેટે 339 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. સ્ટોક્સની સદી ઉપરાંત ઓપનર ડેવિડ મલાને 87 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. બેન સ્ટોક્સે 84 દડામાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાથી 108 રન કર્યા હતા. એક તબક્કે ઇંગ્લેન્ડની 6 વિકેટ 192 રનમાં પડી ગઈ હતી. આ પછી સ્ટોક્સ અને વોક્સે ડચ બોલરો સામે ખભા ઊંચકીને આક્રમક બેટિંગ કરી હતી. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં ફક્ત 81 દડામાં 129 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. વોક્સે 4પ દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી પ1 રન બનાવ્યા હતા. આ પહેલા ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે ઓપનર ડેવિડ મલાને 74 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગાથી 87 રનની ઇનિંગ રમી હતી. તે રન આઉટ થયો હતો. બેયરસ્ટો 1પ રને અને જો રૂટ 28 રને આઉટ થયા હતા. કપ્તાન બટલર (પ), હેરી બ્રુક (11) અને મોઇન અલી (4)ની નિષ્ફળતાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આમ છતાં ઇંગ્લેન્ડની ટીમ નેધરલેન્ડ સમક્ષ 340 રનનો કઠિન વિજય લક્ષ્યાંક મૂકવામાં સફળ રહી હતી. ડચ ટીમ તરફથી બાસ ડિ લિડે 3 વિકેટ લીધી હતી. આર્યન દત્ત અને લોગાન વેન બેકને 2-2 વિકેટ મળી હતી.
