પહેલી ટી-20માં ટીમ ઇન્ડિયાની ખરાબ હાર
પહેલી ટી-20માં ટીમ ઇન્ડિયાની ખરાબ હાર
ટરુબા, તા. 3 : વિરાટ કોહલી અને રોહિત શર્મા વિનાની ભારતીય ટીમને પહેલી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝ સામે ચાર રને આંચકાજનક હાર ખમવી પડી હતી. 150 સામાન્ય લક્ષ્ય સામે તિલક વર્મા (22 દડામાં 39 રન) સિવાયના તમામ યુવા બેટધરો ફ્લોપ સાબિત થયા હતા અને ટીમ 9 વિકેટે 145 રન કરી શકી હતી. કિશન (6) અને ગિલ (3)ની નિષ્ફળતા બાદ તિલક અને સૂર્યકુમારે સ્કોર 67 સુધી પહોંચાડયો હતો પણ યાદવ 21 રને આઉટ થયા બાદ દાવ લથડયો હતો. હાર્દિકે 19, સેમસને 12, અક્ષરે 13 રન કર્યા હતા. મેકોયે 28માં બે, હોલ્ડરે 19માં બે અને શેફર્ડે 33માં બે વિકેટ ઝડપી હતી. અગાઉ, ભારતને જીત માટે 1પ0 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમના 20 ઓવરમાં 6 વિકેટે 149 રન થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટી-20 સ્પેશ્યાલીસ્ટ બેટર નિકોલસ પૂરને 34 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાથી 41 રનની અને કપ્તાન રોવમેન પોવેલે 32 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 48 રનની આતશી ઇનિંગ્સ રમી હતી. તે ઇનિંગ્સની આખરી ઓવરમાં અર્શદિપનો શિકાર થયો હતો. આ બે સિવાય બાકીના કેરેબિયન બેટર મોટો દાવ રમી શકયા ન હતા. બ્રેંડન કિંગે 19 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 28 રન કર્યાં હતા. કાઇલ મેયર્સ 1, જોહનસ ચાર્લ્સ 3 અને હેટમાયર 10 રન કરીને આઉટ થયા હતા. શેફર્ડ 4 અને હોલ્ડર 6 રને નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી અર્શદિપ અને ચહલે 2-2 વિકેટ લીધી હતી. જયારે કપ્તાન હાર્દિક પંડયા, કુલદિપ યાદવને 1-1 વિકેટ મળી હતી. ભારત તરફથી મુકેશકુમાર અને તિલક વર્માએ ટી-20 પદાર્પણ કર્યું હતું.