Portfolio Rebalancing: મહિનાના અંતે એક એવો નિર્ણય લેવામાં આવે છે કે જે વિશ્વભરના સ્ટોક, કરન્સી, સોના અને બોન્ડ બજારોને હચમચાવી નાખે છે. હવે જાણો આની પાછળનું રહસ્ય શું છે અને શા માટે સ્ટોક, કરન્સી, સોના અને બોન્ડ બજારોમાં હડકંપ મચે છે.
વાત એમ છે કે, પોર્ટફોલિયો રિબેલેન્સિંગને કારણે ડોલર મજબૂત થાય છે અને બીજી કરન્સી ઘટી જાય છે. વધુમાં જોઈએ તો, આ નિર્ણય વિશ્વભરના શેરબજારોને હચમચાવી નાખે છે.
આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં મોટા રોકાણકારો (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, સોવરેન વેલ્થ ફંડ વગેરે) કેટલાંક એસેટ્સ વેચે છે અને કેટલાંક ખરીદી કરે છે, એવામાં તેમનું રોકાણ એક ફિક્સ રેશિયોમાં જળવાઈ રહે છે.
સરળ ભાષામાં સમજીએ તો, જો કોઈ ફંડનો ટાર્ગેટ શેરબજારમાં 60% અને બોન્ડમાં 40% રોકાણ કરવાનો હોય અને એક મહિનામાં શેરની વેલ્યૂમાં વધારો થાય તો શેરનો હિસ્સો 70% થઈ શકે છે. એવામાં તે ફંડ કેટલાક શેર વેચશે અને બોન્ડ ખરીદશે જેથી તે 60-40 ના રેશિયોમાં પાછું આવી જાય.
ડોલર પર આની કેવી અસર પડે છે?
જો વિદેશી રોકાણકારો યુએસ સ્ટોક્સ અથવા બોન્ડ્સ (રિબેલેન્સિંગ દરમિયાન) વેચે છે, તો તેમણે ડોલરને તેમના સ્થાનિક કરન્સીમાં બદલવા પડે છે. આનાથી ડોલરની ડિમાન્ડ ઓછી થાય છે અને તેનો સપ્લાય વધી જાય છે, જેનાથી ડોલર નબળો પડે છે. જો રોકાણકારો ફરીથી યુએસ માર્કેટમાં પૈસા રોકાણ કરે છે, તો તેમણે તેમના ચલણને ડોલરમાં રૂપાંતરિત કરવું પડશે. જો કે, આનાથી ડોલરની ડિમાન્ડ વધે છે અને ડોલર મજબૂત થાય છે.
મહિના-ક્વાર્ટરના અંતે આ રિબેલેન્સિંગ શા માટે કરવામાં આવે છે?
મોટી સંસ્થાઓ (જેમ કે પેન્શન ફંડ્સ, ETF મેનેજર્સ) મહિનાના અંતે/ક્વાર્ટરના અંતે તેમના પોર્ટફોલિયોના રેશિયોને રિબેલેન્સિંગ કરે છે, જેથી રોકાણકારો તેમની પ્રોફાઇલ મુજબ રિસ્ક-બેલેન્સ જાળવી શકે છે. આ એક નિયમિત, ઓટોમેટેડ અને સ્ટ્રેટેજીક પ્રોસેસ છે અને તેનો વિદેશી કરન્સી માર્કેટ પર મોટો પ્રભાવ પડે છે.
હાલની જ વાત કરીએ તો, એપ્રિલ 2025માં (ટ્રમ્પના ટેરિફને કારણે) યુએસ સ્ટોક્સ અને બોન્ડ્સમાં ઘટાડો થયો, તેથી રોકાણકારોએ ડોલર-બેસ્ડ એસેટમાંથી પૈસા નીકાળ્યા અને ફરીથી રિબેલેન્સિંગ કર્યા. હવે મહિનાના અંતે, ડોલરની માંગ વધી રહી છે કારણ કે રોકાણકારોએ ફરીથી અમેરિકન એસેટ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. જેથી ડોલર થોડો મજબૂત બન્યો છે.