India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તરફથી કરાયેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા છે. પરંતુ પાકિસ્તાન તરફથી હજુ ડ્રોન હુમલાના પ્રયાસને ધ્યાને રાખીને ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાન બોર્ડરના રાજ્યો હાઈ એલર્ટ પર છે. જામનગર, ઓખા, કચ્છ, બનાસકાઠા અને પાટણમાં સાંજે 7 વાગ્યાથી બ્લેકઆઉટ જાહેર કરાયું છે. ત્યારબાદ હવે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. તેથી સાંજે સાત વાગ્યા પછી મંદિરો, ઔદ્યોગિક એકમો અને હોટલો બંધ રખાશે. દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આમતે આ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યા અનુસાર, દ્વારકાની સુરક્ષાને ધ્યાને રાખી કેટલાક નિર્ણય લેવાયા છે. સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ કરાશે. દ્વારકા અને ઓખા તરફના વિસ્તારોના તમામ મંદિરો સાત વાગ્યા બાદ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવા વિનંતી છે. સાત વાગ્યા બાદ પૂજારીઓ બંધ બારણે પૂજા કરે. સ્ટ્રીટ લાઇટ સાત વાગ્યા બંધ કરાશે. સાત વાગ્યા બાદ બિનજરૂરી અવરજવર ન કરવી અને ઘરની અંદર હોય તો પણ લાઇટનો પ્રકાશ બહાર ન આવે તે ધ્યાન રાખવું. દ્વારકાની તમામ હોટલની ગતિવિધિ સાત વાગ્યા બાદ બંધ, હોમ ડિલિવરી કરી શકાશે. દુકાનોથી લઈને શોપિંગ કોમ્પ્લેકસ સાંજે સાત વાગ્યા બાદ લાઇટ બંધ કરવા આદેશ કરાયા છે. આગામી આદેશ સુધી તહેવાર અને ઉજવણી ન કરવા અને ફટાકડા ન ફોડવાના પણ આદેશ કરાયા છે.
જામનગરમાં એક દિવસ વેપાર-ધંધા બંધ રાખી સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ, રાત્રે કરાશે બ્લેકઆઉટ
દ્વારકા સિવાય જામનગરમાં પણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. ત્યારે કલેક્ટર કેતન ઠક્કર સાવચેતીના પગલાં રૂપે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જામગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં શનિવારે (10મી મે) રાત્રે 8 વાગ્યાથી રવિવારે (11મી મે) સવારે 6 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ રહેશે.
આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે. જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે 2.15 વાગ્યે સાઇરન વગાડવામાં આવ્યું હતું. શહેરમાં સાઇરન વાગતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે.
કચ્છ જિલ્લામાં એલર્ટ જાહેર અને બ્લેકઆઉટ કરાશે
પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ Blackout નું સંપૂર્ણપણે પાલન કરવા જણાવ્યું છે. જ્યારે તણાવની સ્થિતિમાં નાગરિકોને ગભરાવ્યા વગર સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના 7 એરપોર્ટ હજુ બંધ રહેશે
ભુજ, રાજકોટ-હિરાસર, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ એમ ગુજરાતના 7 એરપોર્ટ આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી મુસાફરો માટે બંધ રહેશે. અગાઉ 10 મે સુધી જ આ ઍરપોર્ટ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.