ઈરાને કરેલા હુમલા બાદ ભારત ઇઝરાયલ માટેની તમામ ઉડાનો બંધ કરે તેવી સંભાવના છે.
નવી દિલ્હી, તા.14 : મધ્યપૂર્વમાં તણાવ વચ્ચે એર ઇન્ડિયા, વિસ્તારા સહિત એરલાઈને ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ બંધ કરતા ઈઝરાયલ જતી તમામ ઉડાનો રદ કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયયે ઈઝરાયલમાં વસતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા હતા અને હાલ સાવચેત રહેવા કહ્યું છે અને ભારતીયોને ઈરાન કે ઈઝરાયલ નહીં જવાની સલાહ પણ આપી હતી. સૂત્રો અનુસાર ભારત સરકાર ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે તેલ અવીવ માટે તમામ ઉડાનો રદ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે. ભારતીય એરલાયન્સ માટે તેલ અવીવ આવતી-જતી તમામ ફલાઇટો સસ્પેન્ડ કરવા વિચારણાં ચાલી રહી છે.
શનિવારે એર ઇન્ડિયાની એક ફલાઇટે તેલ અવીવમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. જે ફલાઇટ રવિવારે પરત ફરી હતી. ઇઝરાયલ અને ભારત વચ્ચે મુખ્ય બે એરલાઇન્સ એર ઇન્ડિયા અને એલ અલ કોમર્શિયલ ફલાઇટ ઓપરેટ કરે છે. ભારતીય એરલાઇન્સોએ મધ્યપૂર્વ માટે અન્ય રૂટથી ઉડાનો શરૂ કરી છે.
