Kadi Visavadar Bypoll Results: આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ હતી….વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
વિસાવદર બેઠક પર ફરી AAPનો કબ્જો, ભાજપના કિરીટ પટેલ ત્રીજી વાર હાર્યા
વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીઆ ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ હતી. ભુપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે અને 2022માં AAP ઉમેદવાર સામે હરનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઇ છે. જો કે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રિબડીયા સામે ચૂંટણી હારી ગયા હતા. આમ, એક જ બેઠક પર ભાજપ નેતા કિરીટ પટેલ ત્રણ ચૂંટણીમાંથી એક વાર કોંગ્રેસ સામે અને બે વાર AAP સામે હારી ગયા છે. 2024માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે.
કડી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત
કડી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચાર વાર આ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપરાંત 2017 અને 2022 એમ છેલ્લી બે ટર્મથી ભાજપના કરશનભાઈ પટેલ અહીં ધારાસભ્ય હતા. જો કે બીમારીને કારણે તેમનું અવસાન થતા કડી વિધાનસભા બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી હતી જેની સામે ભાજપના રાજેન્દ્ર ચાવડાનો જંગી બહુમતી સાથે વિજય થયો છે.
ગોપાલ ઇટાલિયાએ જીત બાદ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યાં
ગોપાલ ઇટાલિયાએ જીત બાદ કાર્યકરો સાથે ઉજવણી કરતા જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યાં છે. જવાહર ચાવડા ભાજપના બળવાખોર નેતા છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં AAPની જીત બાદ જીતેલા AAP ઉમેદવાર અને કાર્યકરો જવાહર ચાવડાના નામના નારા લગાવે એ ઘણી બાબતો તરફ ઈશારો કરે છે…
કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય
કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે. તેમણે રેકોર્ડ બ્રેક 38,904 મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપને કુલ 98,836 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત NOTAને મળ્યા.