EV manufacturing scheme in India : ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, વૈશ્વિક ઇલેક્ટ્રિક કાર કંપનીઓ જો દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરે તો હવે ભારતમાં ઓછી આયાત ડયુટી સાથે તેમના વાહનો વેચી શકે છે. આ યોજના માટે એપ્લિકેશન પોર્ટલ રજુ કરાયું છે. આ પોર્ટલ ૨૧ ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે.
સરકારી સુત્રોએ કહ્યું હતું કે પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફક્ત શોરૂમ ખોલવાનો ઇરાદો ધરાવે છે. તેઓ ભારતમાં તેમની કાર વેચવા માંગે છે, પરંતુ અત્યાર સુધી ઉત્પાદન એકમ સ્થાપવા તરફ કોઈ પ્રગતિ થઈ નથી.
આ યોજના હેઠળ, ઓટોમોબાઈલ કંપનીઓએ ૪,૧૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બદલામાં, તેમને ૧૫ ટકાની ઘટાડેલી આયાત ડયુટી પર ૮,૦૦૦ ઇલેક્ટ્રિક કાર લાવવાની મંજૂરી આપવામાં આવશે, જે વર્તમાન ૭૦-૧૦૦ ટકા ડયુટી કરતા ઘણી ઓછી છે. કંપનીઓએ ત્રણ વર્ષમાં ભારતમાં તેમનું ઉત્પાદન એકમ શરૂ કરવું પડશે અને સ્થાનિક સ્તરે ૨૫ ટકા મૂલ્ય વર્ધન પ્રાપ્ત કરવું પડશે. આ મૂલ્ય વર્ધન પાંચ વર્ષમાં વધારીને ૫૦ ટકા કરવું પડશે.
ભારે ઉદ્યોગ મંત્રાલય આ યોજનામાં ભાગ લેવા માટે જર્મની, અમેરિકા, બ્રિટન અને ચેકોસ્લોવાકિયા જેવા દેશોની ઓટોમોબાઈલ કંપનીઓ અને તેમના દૂતાવાસોને પત્રો લખી રહ્યું છે. જોકે, પાકિસ્તાન અને ચીન જેવા સરહદી દેશો પર લાદવામાં આવેલા રોકાણ નિયંત્રણો અકબંધ રહેશે. આ યોજના માટે અરજી કરનારી કંપનીઓએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની વૈશ્વિક આવક અને ૩,૦૦૦ કરોડ રૂપિયાની સ્થિર સંપત્તિમાં રોકાણની શરત પૂરી કરવી પડશે. ઉપરાંત, ૫ લાખ રૂપિયાની બિન-રિફંડપાત્ર અરજી ફી ચૂકવવી પડશે.
આ રોકાણમાં નવી મશીનરી, સાધનો અને એન્જિનિયરિંગ સંશોધન અને વિકાસનો સમાવેશ થશે, પરંતુ જમીનની કિંમત ગણવામાં આવશે નહીં. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચના ૫ ટકા સુધી અને નવી ઇમારતો પર ૧૦ ટકા સુધીનો ખર્ચ રોકાણમાં સામેલ કરવામાં આવશે. હાલ ૪-૫ ઓટો કંપનીઓએ આ યોજનામાં પ્રારંભિક રસ દાખવ્યો છે.