America Proposes 500 Tariff on India and China: અમેરિકાએ ભારત અને ચીન સહિત રશિયા સાથે વેપાર કરતા દેશોને મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ બિલ રજૂ કરવાને મંજૂરી આપી છે, જેમાં રશિયા સાથે વેપાર ચાલુ રાખતા દેશો પર 500% ટેરિફ લાદવાની જોગવાઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ બિલ રજૂ કરવાને મંજૂરી આપી છે, જેમાં રશિયા સાથે વેપાર ચાલુ રાખતા દેશો પર 500% ટેરિફ લાદવાની જોગવાઈ છે.
યુએસ સેનેટર લિન્ડસ ગ્રેહામે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવતા આ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું છે કે, ‘જો તમે રશિયા સાથે વેપાર કરો છો અને યુક્રેનની મદદ નથી કરી રહ્યા તો અમેરિકામાં નિકાસ કરવામાં આવતા તમારા સમાન પર 500% ટેરિફ લગાવવામાં આવશે. ભારત અને ચીન તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી 70% તેલ ખરીદે છે. જે તેમના યુદ્ધ મશીનને ચાલુ રાખવામાં મદદ કરે છે. જો તેઓ આ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર ભારે ટેરિફ લગાવશે.’
આ બિલથી ભારત માટે નિકાસ ટેરિફનું જોખમ વધશે
એવું માનવામાં આવે છે કે આ બિલ ઓગસ્ટમાં રજૂ થઈ શકે છે. આ બિલ માર્ચમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, પરંતુ વ્હાઇટ હાઉસે વિરોધનો સંકેત આપ્યા બાદ તેને અટકાવી દેવામાં આવ્યું હતું. જો આવું થાય છે, તો તે રશિયાને આર્થિક રીતે અલગ પાડવાના અમેરિકાના પ્રયાસમાં એક મોટું પગલું માનવામાં આવે છે. જો આ બિલ પાસ થાય છે, તો તેની ભારત અને ચીન પર ગંભીર અસર પડી શકે છે. કારણ કે આ બંને દેશો ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારો છે. અમેરિકાના આ પગલાથી ભારત માટે ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને આઇટી સેવાઓ જેવી નિકાસ પર ટેરિફનું જોખમ પણ ઊભું થાય છે.
ભારતે ફેબ્રુઆરી 2022થી જ રશિયા પાસેથી તેલની આયાત શરુ કરી
ભારત રશિયન તેલનો મુખ્ય ખરીદદાર છે. યુક્રેન પરના આક્રમણના ત્રીજા વર્ષમાં, ભારતે 49 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું. પરંપરાગત રીતે ભારત મધ્ય પૂર્વમાંથી તેનું તેલ મેળવે છે, પરંતુ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પરના આક્રમણ પછી તરત જ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરવાનું શરૂ કર્યું.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ થવા જઈ રહી છે ત્યારે અમેરિકા દ્વારા આ બિલ પર ચર્ચા થઈ રહી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેડ ડીલ ખૂબ નજીક છે. જ્યારે ભારતીય પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં યુએસ અધિકારીઓ સાથે સતત ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કે મુખ્ય કૃષિ માંગણીઓને લઈને બંને દેશો વચ્ચે વેપાર કરારની વાટાઘાટો અટકી ગઈ હતી.
તમારા બિલને આગળ વધારવાનો સમય આવી ગયો છે: ટ્રમ્પ
આ બિલ અંગે વાત કરતા લિન્ડસે કહ્યું કે, ‘મારા બિલમાં હવે 84 સહ-પ્રાયોજકો છે. તે પ્રમુખ ટ્રમ્પને ચીન, ભારત અને અન્ય દેશો પર ટેરિફ લાદવાની મંજૂરી આપશે જેથી તેઓ વ્લાદિમીર પુતિનના યુદ્ધ મશીનને ટેકો આપતા અટકાવી શકે અને તેમને વાટાઘાટોના ટેબલ પર લાવી શકે. ગઈકાલે પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે મારી સાથે ગોલ્ફ રમતી વખતે કહ્યું કે, તમારા બિલને આગળ વધારવાનો સમય આવી ગયો છે. આ તેમનું સમર્થન છે.’
આ બિલનો હેતુ વિશ્વભરના દેશો પર રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા, મોસ્કોના યુદ્ધ અર્થતંત્રને નબળી પાડવા અને રશિયાને યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો કરવા દબાણ કરવાનો છે.
જો આ બિલ લાગુ કરવામાં આવે તો ભારત પર શું અસર પડશે?
જો આ બિલ લાગુ કરવામાં આવે તો, ભારત અને ચીન સાથે અમેરિકાના વેપાર સંબંધો ખરાબ થઈ શકે છે. ભારત હાલમાં અમેરિકાને તેનું ટોચનું નિકાસ બજાર માને છે. આવી સ્થિતિમાં, આ બિલ ભારત માટે વ્યાપક આર્થિક અને રાજદ્વારી પરિણામો લાવી શકે છે. અમેરિકા સહિત વિવિધ પશ્ચિમી દેશોની ચેતવણીઓ છતાં ભારત અને ચીન રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. આનાથી અમેરિકાના પ્રયાસો નબળા પડ્યા છે અને તેને આ પગલું ભરવાનું નક્કી કર્યું છે.