Wimbledon fastest serve record: અમેરિકાના ટેલર ફ્રિટ્ઝે મંગળવારે વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં પાંચ સેટની મેચમાં જીઓવાન્ની મ્પેત્શી પેરિકર્ડ સામે ૬-૭ (૬), ૬-૭ (૮), ૬-૪, ૭-૬ (૬), ૬-૪થી જીત મેળવી. આ મેચમાં પેરિકર્ડે ૧૫૩ માઇલ પ્રતિ કલાકની ઝડપે સર્વિસ કરી, જે વિમ્બલ્ડનનો નવો રેકોર્ડ છે, જોકે, તે આ સર્વિસ પર પોઈન્ટ મેળવી શક્યો નહીં.
યુએસ ઓપન ૨૦૨૪ નો રનર-અપ ફ્રિટ્ઝ સોમવારે પહેલા બે સેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયો હતો. ચોથા સેટમાં એક સમયે તે હારથી બે પોઈન્ટ દૂર હતો. જોકે, તે પછી તેણે શાનદાર વાપસી કરી અને આ સેટને ટાઈ-બ્રેકર સુધી ખેંચી લેવામાં સફળ રહ્યો. સોમવારે ખૂબ વિલંબને કારણે આ પછી મેચ રોકવી પડી. મંગળવારે ટાઈ-બ્રેકર જીત્યા બાદ તેણે પાંચમો સેટ ૬-૪થી જીત્યો.
મેચ જીત્યા પછી, ફ્રિટ્ઝે કહ્યું, ‘આ ખૂબ જ રોમાંચક મેચ હતી. મને લાગતું હતું કે હું ચોથા સેટમાં મેચ હારી જઈશ. પછી હું ટાઇ-બ્રેકરમાં પણ પાછળ રહી ગયો હતો. મેં હિંમત હાર્યો નહીં, મેં વિચાર્યું કે ચાલો વાપસી કરવાનો સખત પ્રયાસ કરીએ. હું આમાંથી બહાર નીકળીને ખૂબ ખુશ છું.’
સિનરે વિમ્બલ્ડનની શરૂઆત પ્રભાવશાળી જીત સાથે કરી
ટોચના ક્રમાંકિત યાનિક સિનરે મંગળવારે વિમ્બલ્ડનમાં ઇટાલિયન દેશબંધુ લુકા નાર્ડી સામે 6-4, 6-3, 6-0થી જીત મેળવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિનર તેના પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલની શોધમાં છે. તે 2023માં ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.
ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પાંચ સેટની રોમાંચક મેચમાં સિનર કાર્લોસ અલ્કારાઝ સામે હારી ગયો હતો. વિમ્બલ્ડનમાં શાનદાર શરૂઆત કર્યા પછી સિનરે બ્રોડકાસ્ટર્સને કહ્યું, ‘શરૂઆતની મેચ ક્યારેય સરળ હોતી નથી, તેથી હું મારા પ્રદર્શનથી ખૂબ ખુશ છું. આ એક નવી ટુર્નામેન્ટ, નવી તક અને નવા પડકારો છે. તમે એક સમયે એક જ પ્રતિસ્પર્ધીને રમવા વિશે વિચારો છો.’ બીજા રાઉન્ડમાં સિનરનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના એલેક્ઝાન્ડર વુકિચ સામે થશે.