Tent Collapse At Bageshwar Dham: મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય આઠ ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.
ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો. મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો.
ગઈકાલે બુધવારે બાગેશ્વર ધામમાં શ્રદ્ધાળુઓ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી કરવા એકઠા થયા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ ચાર જુલાઈના રોજ શુક્રવારે છે. જેની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં બાગેશ્વર ધામ પહોંચ્યા છે.