China Military City: રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચીન પેન્ટાગોન કરતા 10 ગણું મોટું મિલિટરી શહેર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, ચીન બેઈજિંગ નજીક એક વિશાળ મિલિટરી શહેર બનાવી રહ્યું છે જે અમેરિકાના પેન્ટાગોન કરતા કદમાં દસ ગણું મોટું હોવાનું કહેવાય છે. તેને બેઇજિંગ મિલિટરી સિટી કહેવામાં આવી રહ્યું છે. તે બેઈજિંગ શહેરથી લગભગ 32 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. તેનો વિસ્તાર લગભગ 4 કિલોમીટર પહોળો છે અને તેમાં એક બંકર પણ શામેલ છે, જેનો ઉપયોગ પરમાણુ યુદ્ધની સ્થિતિમાં કમાન્ડ સેન્ટર તરીકે થશે.
આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
અહેવાલો અનુસાર, વર્ષ 2022માં બેઈજિંગ નજીકના વિસ્તારોમાં રહેણાંક ઈમારતો અને ખુલ્લું મેદાન હતું, 2024ના મધ્ય સુધીમાં આખો વિસ્તાર સાફ કરી દેવામાં આવ્યો હતો અને બાંધકામનું કામ શરૂ થઈ ગયું હતું. હવે ત્યાં રસ્તાઓ અને ટનલનું આખું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ છે. નજીકના હાઈકિંગ ટ્રેલ્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ચીને અહીં કેમેરા કે કોઈપણ પ્રકારની દેખરેખ બંધ કરી દીધી છે. આ બધું દર્શાવે છે કે ચીન આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માંગે છે.
ચીનનું નવું યુદ્ધ કમાન્ડ સેન્ટર?
ચીનનું નવું યુદ્ધ કમાન્ડ સેન્ટર જૂના વેસ્ટર્ન હિલ્સ કમાન્ડ સેન્ટરનું સ્થાન લઈ શકે છે. નિષ્ણાતો માને છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગના નેતૃત્વમાં ચીન ઝડપથી તેના પરમાણુ હથિયારની તાકાત વધારી રહ્યું છે અને આગામી દાયકામાં તે અમેરિકાની બરાબરી કરી શકે છે અથવા તેને પાછળ છોડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે? ચીનની આ પ્રવૃત્તિએ વૈશ્વિક સુરક્ષા નિષ્ણાતો, ગુપ્તચર એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓને વધુ ઘેરી બનાવી દીધી છે.