BJP National President: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? હાલ તો આ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ સૂત્રો અનુસાર ભાજપ એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના ટોચના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જેમાં ઘણી અગ્રણી મહિલા નેતાઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે.
જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો
મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાનું કારણ એ છે કે ભાજપ તાજેતરના વર્ષોમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. આ સફળતા ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં મળી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ પાર્ટીએ જૂન 2024 સુધી તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. હવે નવા પ્રમુખની જાહેરાત આગામી થોડા દિવસોમાં થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે.
1. નિર્મલા સીતારમણ
દેશના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. નિર્મલા સીતારમણ તાજેતરમાં જ પાર્ટી મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષને મળ્યા હતા. આંતરિક સૂત્રો માને છે કે તેમની સંભવિત નિમણૂક પાર્ટીને એકસાથે અનેક વ્યૂહાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
જો નિર્મલા સીતારમણને આ પદ માટે પસંદ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં ભાજપની પકડ મજબૂત થઈ શકે છે. આ સાથે, મહિલાઓને સશક્ત બનાવવાના મોદી સરકારના સંકલ્પને પણ આનાથી પ્રોત્સાહન મળશે. હાલમાં નાણામંત્રી તરીકે સેવા આપી રહેલા નિર્મલા સીતારમણ અગાઉ સંરક્ષણ વિભાગ સંભાળી ચૂક્યા છે અને પાર્ટીના સંગઠનાત્મક માળખામાં લાંબો અનુભવ ધરાવે છે.
2. ડી. પુરંદેશ્વરી
ડી. (દગ્ગુબાતી) પુરંદેશ્વરીનું આંધ્રપ્રદેશના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન છે. પુરંદેશ્વરી આંધ્રપ્રદેશના સાંસદ છે અને રાજ્યમાં ભાજપ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. પુરંદેશ્વરીને સુષ્મા સ્વરાજ જેવા પ્રભાશાળી વક્તા માનવામાં આવે છે. બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોમાં તેમની કારકિર્દી સફળ રહી છે. તેઓ બહુભાષી છે (તેલુગુ, તમિલ, હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે).
જુલાઈ 2023 માં તેમને આંધ્રપ્રદેશમાં ભાજપના રાજ્ય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં સુધી આ પદ સંભાળ્યું હતું. એટલું જ નહીં, પુરંદેશ્વરીને વિવિધ દેશોમાં ગયેલા બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા, જેનાથી વિદેશમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો હતો. તેઓ દક્ષિણ ભારતમાં પાર્ટીનો મોટો ચહેરો બની શકે છે.
3. વનથી શ્રીનિવાસન
વનથી શ્રીનિવાસન એક જાણીતા વકીલમાંથી રાજકારણી બનેલા છે અને હાલમાં તમિલનાડુ વિધાનસભામાં કોઈમ્બતુર દક્ષિણથી ભાજપ ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર 1993માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી શરૂ થઈ હતી અને ત્યારથી તેઓ પક્ષના સંગઠનમાં સતત આગળ વધી રહ્યા છે. વનથીએ તમિલનાડુ ભાજપમાં રાજ્ય સચિવ (2013-14), મહાસચિવ (2014-20) અને રાજ્ય ઉપાધ્યક્ષ (2020) જેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
વનથીને ઓક્ટોબર 2020માં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ જવાબદારી તેમણે એવા સમયે સંભાળી હતી જ્યારે પક્ષ મહિલાઓમાં તેનો આધાર મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. 2022માં, તેમને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ આ પ્રતિષ્ઠિત સમિતિમાં સામેલ થનારા પ્રથમ તમિલ મહિલા બન્યા. આ નિમણૂક તેમના વધતા પ્રભાવ અને પક્ષમાં લાંબા યોગદાનનો પુરાવો છે.
વનથી શ્રીનિવાસન એક કાનૂની નિષ્ણાત તેમજ પાયાના રાજકારણમાં પારંગત છે. તેમણે મહિલા સશક્તિકરણ, સંગઠનાત્મક શક્તિ અને વિધાનસભામાં સક્રિય ભૂમિકા દ્વારા માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે.