Pahalgam and Pulwama Attack News : આતંકવાદીઓ ભારત સહિતના દેશોમાં હુમલા કરવા માટે બોમ્બ બનાવવામાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીઓ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી રહ્યા છે. એટલુ જ નહીં આ જ ઇ-કોમર્સનો ઉપયોગ આતંકીઓ ફંડ મેળવવા માટે પણ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદ માટે થતા ફન્ડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય એજન્સી એફએટીએફે વિસ્તારપૂર્વક આ અંગે સંશોધન કર્યા બાદ રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં આ ખુલાસો થયો હતો.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા, આ વિસ્ફોટમાં જે સામગ્રીનો ઉપયોગ થયો હતો તેને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવી હતી. આ ખુલાસો પણ એફએટીએફના રિપોર્ટમાં થયો છે. આ ઉપરાંત વર્ષ 2022માં ગોરખનાથ મંદિર ઘટનાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે અને તમામ દેશોની સરકારોને એલર્ટ કરવામાં આવી છે કે આતંકવાદીઓ ઇ-કોમર્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કરી શકે છે જેને લઇને સતર્ક રહેવુ બહુ જ જરૂરી છે.
ઇ-કોમર્સ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ગેમિંગ, સોશિયલ મીડિયા પર પણ આતંકવાદીઓ કે તેના સમર્થકો સક્રિય છે. એફએટીએફએ માત્ર સરકારો જ નહીં આ તમામ ડિજિટલ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓને પણ એલર્ટ કરી છે અને આતંકીઓના આ નેટવર્કને આગળ વધતું અટકાવવા કડક પગલા લેવા કહ્યું છે. ફ્રાન્સના પેરિસમાં હેડક્વાર્ટર ધરાવતી આ એજન્સી એફએટીએફની 131 પેજની રિપોર્ટ કોમ્પ્રિહેંસિવ અપડેટ ઓન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્કમાં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓને મળતા ફન્ડિંગની રીત બદલાઇ ગઇ છે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલાની ટિકા કરતા આંતરરાષ્ટ્રીય એજન્સીએ કહ્યું હતું કે નાણાકીય મદદ વગર આતંકીઓ આવો હુમલો ના કરી શકે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર કરાયેલા અભ્યાસની વિગતો જાહેર કરતા એજન્સીએ કહ્યું હતું કે ભારતમાં થયેલા કેટલાક આતંકી હુમલામાં આતંકીઓએ વિસ્ફોટ કરવા જે સામગ્રીનો ઉપયોગ કર્યો તેને ઓનલાઇન ખરીદવામાં આવી હતી, બોમ્બ બનાવવામાં ઉપયોગી એલ્યૂમિનિયમ પાઉડરની ખરીદી આતંકીઓએ એમેઝોન પરથી કરી હતી.
આ પાઉડર વિસ્ફોટને વધુ ઘાતક બનાવી દે છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખનાથ મંદિરમાં વર્ષ 2022માં એક હુમલો થયો હતો, હુમલાખોરે સુરક્ષાકર્મીઓ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકો ઘવાયા હતા. હુમલાખોર મુર્તજા અબ્બાસીની બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. તેના મોબાઇલ-લેપટોપમાંથી જેહાદી વીડિયો મળ્યા હતા. એફએટીએફે આ હુમલાની પણ તપાસ કરી હતી જેમાં સામે આવ્યું કે હુમલાખોર ફન્ડિંગનું પણ કામ કરતો હતો તેણે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેપલનો ઉપયોગ કરીને 6.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેના ખાતામાં પણ મોટી રકમ જમા થઇ હતી. આ ટ્રાન્ઝેક્શન પકડાઇ નહીં માટે તેણે વીપીએનનો ઉપયોગ કર્યો હતો કે જેથી તેનું આઇપી એડ્રેસ ટ્રેસ ના કરી શકાય.
બાદમાં પેપલને આતંકી ફન્ડિંગ જેવી શંકા જતા તેનું એકાઉન્ટ જ બંધ કરવુ પડયું હતું. બોમ્બ બનાવવાની સામગ્રીની ખરીદી માટે ઇ-કોમર્સનો ઉપયોગ, નાણાકીય લેનદેન માટે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ તો થઇ જ રહ્યો છે આ ઉપરાંત આતંકીઓ નાણા મેળવવા માટે વેપારની રીતો પણ અપનાવી રહ્યા છે. આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવીને કે સામાન્ય નાગરિકની ઓળખનો ઉપયોગ કરીને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેપાર પણ કરવા લાગ્યા છે. આતંકીઓના સેલ સક્રીય છે જે રૂપિયા એકઠા કરીને આતંકીઓ સુધી પહોંચાડે છે.