ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય
Saturday, 23 September 2023
ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય
મોહાલી તા. 22 : પહેલાં ઝડપી બોલર મોહમ્મદ શમીની પ વિકેટ અને બાદમાં શુભમન ગિલ (74), ઋતુરાજ ગાયકવાડ (71), સૂર્યકુમાર યાદવ (પ0) અને કેપ્ટન કેએલ રાહુલ (અણનમ પ8)ની અર્ધસદીથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની પ્રથમ વન ડે મેચમાં ભારતનો પ વિકેટે આક્રમક વિજય થયો હતો. આ શાનદાર જીતથી ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઇ ભારત 27 વર્ષ બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું છે. શ્રેણીની બીજી મેચ રવિવારે ઇન્દોરમાં રમાશે. પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ 276 રન કર્યાં હતા. ભારતે 48.4 ઓવરમાં 8 દડા બાકી રાખીને પ વિકેટે 281 રન કરીને ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. કપ્તાન કેએલ રાહુલ 63 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ8 રને અણનમ રહ્યો હતો. જયારે સૂર્યકુમાર યાદવે વન ડેમાં ફોર્મ ઝળકાવીને કેરિયરની ત્રીજી અર્ધસદી કરી હતી. તે 49 દડામાં પ ચોગ્ગા અને 1 છગ્ગાથી પ0 રને આઉટ થયો હતો. તેના અને કપ્તાન રાહુલ વચ્ચે પાંચમી વિકેટમાં દબાણની પરિસ્થિતિમાં 8પ દડામાં 80 રનની મેચ વિનિંગ ભાગીદારી થઇ હતી. 278 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત સંગીન અને આક્રમક રહી હતી. ઇન ફોર્મ ઓપનર શુભમન ગિલ અને યુવા ઋતુરાજ ગાયકવાડ વચ્ચે પહેલી વિકેટમાં130 દડામાં 142 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે આ બન્નેના આઉટ થયા બાદ કાંગારૂ બોલરો વાપસી કરવામાં સફળ રહ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ તેની વન ડે કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર કરીને 77 દડામાં 10 ચોકકાથી 71 રને આઉટ થયો હતો. જયારે રનમશીન શુભમન ગિલે 63 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી 74 રન કર્યાં હતા. આ બન્નેની વિકેટ ઓસિ. સ્પિનર એડમ ઝમ્પાએ લીધી હતી. આ જોડી તૂટયા બાદ વિશ્વ કપ ટીમમાં સામેલ અને ઈજા બાદ વાપસી કરનાર શ્રેયસ અય્યર કમનસીબે 3 રને રન આઉટ થયો હતો. આમ ઉપરા ઉપરી ત્રણ વિકેટ પડી ગયા બાદ ભારત પર ભીંસ વધી હતી. કપ્તાન કેએલ રાહુલ અને ઇશાન કિશને સંભાળપૂર્વક બેટિંગ કરીને ચોથી વિકેટમાં 34 રનનો ઉમેરો કર્યો હતો. ઇશાન કિશન ક્રિઝ પર સેટ થયા બાદ 18 રને ઓસ્ટ્રેલિયન કપ્તાન કમિન્સનો શિકાર બન્યો હતો. આ પછી કપ્તાન રાહુલ અને સૂર્યકુમારે મોરચો સંભાળીને ભારતને જીત અપાવી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને મોહાલીની ગરમી અને બાદમાં ઝાકળના પ્રભાવને ધ્યાને રાખીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમ ઠીક પ0 ઓવરમાં 276 રનના પડકારરૂપ સ્કોરે ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરીને પ1 રનમાં પ વિકેટ ઝડપી હતી. જયારે ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નેરે સૌથી વધુ બાવન રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન વરસાદના વિઘ્નને લીધે અરધી કલાક રમત અટકી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. અને 4 રનના સ્કોરે મિચેલ માર્શ (4)ની વિકેટ ગુમાવી હતી. આ પછી અનુભવી વોર્નર અને સ્મિથ વચ્ચે 94 રનની ભાગીદારી થઇ હતી. વોર્નર પ3 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગાથી બાવન રને અને સ્મિથ 60 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 41 રને આઉટ થયા હતા. જ્યારે લાબુશેનની 39 રને અશ્વિને વિકેટ લીધી હતી. કેમરૂન ગ્રીન 31 રને રનઆઉટ થયો હતો. જ્યારે જોશ ઇંગ્લિશે 4પ દડામાં 4પ અને માર્કસ સ્ટોઇનિસે 21 દડામાં 29 રન કરીને ઓસ્ટ્રેલિયાની રન રફતાર વધારી હતી. અંતમાં ઓસિ. કપ્તાન પેટ કમિન્સ ફકત 9 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 21 રને અણનમ રહ્યો હતો. આથી ઓસ્ટ્રેલિયાની ટીમના પ0 ઓવરમાં 276 રન થયા હતા. ભારત તરફથી શમીની પ વિકેટ ઉપરાંત બુમરાહ, અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
