S Kumars Fraud Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેંક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં એક મોટી સફળતા મેળવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જાણીતી કાપડ કંપની ‘એસ. કુમાર્સ નેશનવાઈડ લિમિટેડ’ (S. Kumars Nationwide Ltd) અને તેના પૂર્વ સીએમડી (CMD) નીતિન કાસલીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરતા લંડનમાં બકિંગહામ પેલેસ પાસે આવેલી ₹150 કરોડની સ્થાવર મિલકત ટાંચમાં લીધી (કુરક કરી) છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ મિલકત નીતિન શંભુકુમાર કાસલીવાલ અને તેમના પરિવારના સભ્યોની “બેનિફિશિયલ ઓનરશિપ” હેઠળ છે.
₹1,400 કરોડની છેતરપિંડીનો કેસ
નીતિન કાસલીવાલ પર ભારતીય બેંકોના કન્સોર્ટિયમ (સમૂહ) સાથે લગભગ ₹1,400 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. તપાસમાં બહાર આવ્યું છે કે એસ. કુમાર્સ નેશનવાઈડ લિમિટેડ દ્વારા બેંકો પાસેથી લેવામાં આવેલી લોનને ખોટી રીતે વિદેશી રોકાણના નામે ભારતની બહાર મોકલવામાં આવી હતી. ED ના નિવેદન મુજબ, “નીતિન કાસલીવાલે બેંકોના ફંડને ડાયવર્ટ કર્યું અને વિદેશી અધિકારક્ષેત્રોમાં ખાનગી ટ્રસ્ટો અને કંપનીઓના એક જટિલ માળખા દ્વારા આ મિલકતો છુપાવી હતી.”
વિદેશી ટ્રસ્ટો અને શેલ કંપનીઓની જાળ
એજન્સી દ્વારા 23 ડિસેમ્બરે કરવામાં આવેલા દરોડા અને જપ્ત કરાયેલા દસ્તાવેજોના વિશ્લેષણથી એક અત્યંત જટિલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાસલીવાલે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (BVI), જર્સી અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા ટેક્સ હેવન દેશોમાં ટ્રસ્ટો અને કંપનીઓની જાળ બિછાવી હતી.

