મુંબઈ, તા. 29 : લોકસભા ચૂંટણીના આવનારા પરિણામ, નબળા વૈશ્વિક પરિબળો અને અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા ફુગાવાના જાહેર થનારા આંકડાના કારણે સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 667.55 ઘટયો હતો. 24મેથી ચાર સત્રમાં સેન્સેક્સ 915.14 ગગડયો હતો, જ્યારે નિફ્ટી 183.45 અંક ઘટયા હતા. નિફ્ટી બેન્કમાં 640.80 અંકનો કડાકો આવ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ખાનગી બેન્ક શેરોએ આજની વેચવાલીનું નેતૃત્વ કર્યું હતું.

બુધવારના ઘટાડાથી રોકાણકારોની મૂડીમાં રૂા. 1.83 લાખ કરોડનું ધોવાણ થયું હતું, જ્યારે છેલ્લા ચાર દિવસના સત્ર દરમિયાન રૂા. 5.12 કરોડ સાફ થયા હતા. સત્રના અંતે સેન્સેક્સ 667.50 અંક ઘટીને 74,502.90 ઉપર અને નિફ્ટી 183.46 અંક ઘટીને 22,704.70ના સ્તરે અટક્યો હતો. બેન્ક નિફ્ટી 640.80 અંક તૂટી 48,501.35ના સ્તરે બંધ આવ્યો હતો. બુધવારે સૌથી અધિક વધેલા શેરમાં હિન્દાલ્કો, પાવર ગ્રિડ, ડિવીસ લેબ, નેસ્લે અને સનફાર્મા 3.52 ટકાથી 0.96 ટકા સુધી વધ્યા હતા.
બીજી તરફ એચડીએફસી લાઈફનો શેર 2.87 ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટયો હતો, તે સાથે એસબીઆઈ લાઈફ, આઈસીઆઈસીઆઈ બેન્ક, તાતા કન્ઝ્યુમર્સ અને ટેક મહિન્દ્રાના શેર્સ 2.87 ટકાથી 2.18 ટકા જેટલા ઘટયા હતા. આજે બીએસઇમાં સૌથી વધુ સક્રિય રહેલા શેર્સમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દાલ્કો, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસ મુખ્ય હતા.

