ગુજરાતમાં ભરઉનાળે ચોમાસાનો માહોલ

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 13: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસાં જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વાતાવરણમાં એકાએક પલટો દેખાયો હતો. ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા-હિંમતનગર, શામળાજી, વલસાડ સહિત પંથકમાં વરસાદ પડયો હતો. જ્યારે અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊઠતાં આકાશ ધૂળીયું બન્યું હતું. આજે વલસાડ, કપરાડા સહિતના વિસ્તારમાં કરા પડયા હતો, તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડયા હતા.

અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચાંતિંત થયા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતાં લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ ત્રણેક દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના દરિયાકાંઠા નજીક ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પાડોશમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગમાં હજુ પણ ત્રણ દિવસ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગઈકાલે દક્ષિણ પાકિસ્તાન અને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સરેરાશ સમુદ્રી સપાટીથી 1.5 કિ.મી. ઉપરનું પરિભ્રમણ ઓછું ચિન્હિત થયું છે, તો રાજસ્થાન અને પાડોશમાં 0.9 કિ.મી.ની સપાટીથી ઓછું પરિભ્રમણ ચિન્હિત થયું છે, તો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં થોડી વાતાવરણમાં ડિસ્ટર્બન્ટની સ્થિતિ જોવા મળી શકે છે.

- Advertisement -

wf

ગુજરાતમાં વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી કરી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડયો છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે તા. 14 મેના પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, આણંદ, ભરુચ અને સુરત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને પવન સાથે વરસાદ પડી શકે છે.

- Advertisement -
Share This Article