Gold Investment Rules: ભારતમાં સોનું માત્ર એક આભૂષણ નથી, પરંતુ સુરક્ષા અને પરંપરાનું પ્રતીક છે. પરંતુ શું તમે જાણો છો કે સોનાની ચમક તમારા વોલેટ પર ભારે પણ પડી શકે છે, જો તમને ટેક્સના નિયમોની જાણકારી ન હોય. ભલે તમે ડિજિટલ ગોલ્ડ ખરીદો કે જૂનું સોનું વેચો, સરકારની નજર તમારા દરેક ડગલા પર છે. આ સમાચારમાં સમજીએ કે સોનું ખરીદવા અને વેચવા પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ કપાય છે.
સોનું ખરીદતી વખતે કેટલો ટેક્સ લાગશે?
જ્યારે તમે દુકાનથી સોનું ખરીદો છો, ત્યારે તમે માત્ર સોનાની માર્કેટ વેલ્યુ ચૂકવતા નથી. સોનાની કુલ કિંમત પર ૩% જીએસટી (GST) પણ લાગુ થાય છે. આ ઉપરાંત ઘરેણાંના મેકિંગ ચાર્જ પર અલગથી ૫% જીએસટી આપવો પડે છે. આમ, ઘરેણાંની અંતિમ કિંમતમાં સોનાનો ભાવ, તેના ઘડામણના ચાર્જ અને બંને પર લાગતો અલગ-અલગ જીએસટી સામેલ હોય છે.
સોનું વેચવા પર ટેક્સના નિયમો
સોનું વેચવા પર થતા નફાને કેપિટલ ગેઈન્સ કહેવામાં આવે છે. આ પ્રોફિટ બે રીતે કમાઈ શકાય છે, જેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન સામેલ છે. શોર્ટ ટર્મ એટલે કે ૨ વર્ષથી ઓછા સમય માટે સોનું રાખ્યા બાદ વેચવા પર ઇનકમ ટેક્સના સ્લેબ મુજબ ટેક્સ આપવો પડે છે. બીજી તરફ, લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાં ૨ વર્ષથી વધુ સમય માટે સોનું રાખવા પર નફાના ૧૨.૫% ટેક્સ તરીકે કપાય છે.
ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ
જો તમે ફિઝિકલ ગોલ્ડને બદલે ડિજિટલ વિકલ્પ પસંદ કરો છો, તો નિયમો થોડા અલગ છે. ડિજિટલ ગોલ્ડને વેચવા પર થતો નફો ફિઝિકલ ગોલ્ડની જેમ જ ટેક્સના દાયરામાં આવે છે. જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડને તમે મેચ્યોરિટી (૮ વર્ષ) સુધી રાખો છો, તો મળતો નફો સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જોકે, તેના પર વાર્ષિક મળતા ૨.૫% વ્યાજ પર તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ આપવો પડે છે.
જૂના સોનાના બદલે નવું સોનું લેવું
જો તમે જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદી રહ્યા છો, તો જૂની જ્વેલરીના વેચાણને નફો માનવામાં આવશે અને તેના પર ટેક્સ લાગશે. જોકે, ઇનકમ ટેક્સ એક્ટની કલમ 54F હેઠળ તમે ટેક્સમાં છૂટનો દાવો કરી શકો છો, શરત માત્ર એટલી છે કે તમે તે પૈસાનો ઉપયોગ ઘર ખરીદવા અથવા ઘર બનાવવા માટે કરો. આ રીતે પ્રોપર્ટીમાં રોકાણ કરીને તમે સોનાના વેચાણ પરના ટેક્સમાંથી બચી શકો છો.

