Indian currency : જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ બાકી છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે દેશભરમાં 19 RBI ઓફિસોમાં 2,000 રૂપિયાની બેંક નોટો જમા કરાવી શકો છો.
દેશમાં 2000 રૂપિયાની નોટ બંધ થયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે. મે 2023 માં ભારત સરકારે રૂ. 2000 ની નોટ સંપૂર્ણપણે બંધ કરી દીધી. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટો પડી છે તો ગભરાવાની કે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. કારણ કે રૂ.2000 ની બેંક નોટો કાયદેસર ચલણમાં રહેશે. આ નોટો હજુ પણ ખાતામાં જમા કરાવી શકાય છે, જોકે સ્થાનિક બેંકોમાં આ શક્ય બનશે નહીં.
દેશભરમાં 19 RBI ઓફિસોમાં લોકો 2,000 રૂપિયાની બેંક નોટો જમા કરાવી શકે છે. કેન્દ્રીય બેંકે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ ગુલાબી નોટો 19 RBI ઓફિસોમાં જમા કરાવી શકાય છે. આ 19 RBI ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે.
પોસ્ટ દ્વારા પણ RBI ને 2000 રૂપિયાની નોટ મોકલી શકો
લોકો કોઈપણ પોસ્ટ ઓફિસથી 2,000 રૂપિયાની બેંક નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ RBI ઓફિસમાં મોકલી શકે છે જેથી તેઓ ભારતમાં તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે. RBI એ જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની લગભગ 98.24 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે માત્ર 6,266 કરોડ રૂપિયાની નોટો જ જનતા પાસે છે. 19 મે, 2023 ના રોજ, જ્યારે ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.

