Hotel Wi-Fi Security: હોટલમાં ફ્રી વાઈ-ફાઈ મળવું ખૂબ અનુકૂળ છે, પરંતુ શું તે જોખમી હોઈ શકે? હોટલમાં ચેક-ઇન કરતાની સાથે જ ઘણા લોકો સૌથી પહેલા તેના વાઈ-ફાઈ સાથે પોતાનો ફોન કનેક્ટ કરે છે. જોકે, રિસર્ચ અનુસાર હોટલના વાઈ-ફાઈથી ડેટા બ્રીચ અને સાયબર સ્ટોકિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે હોટલમાં રોકાવ છો, તો તમારે જાણવું જોઈએ કે હોટલના વાઈ-ફાઈનો ઉપયોગ કરતી વખતે કેવી રીતે સુરક્ષિત રહેવું.
શું હોટલના વાઈ-ફાઈ સુરક્ષિત હોય છે?
Reader’s Digest ના રિપોર્ટ અનુસાર, હોટલના વાઈ-ફાઈથી ફોન કે લેપટોપ કનેક્ટ કરવાથી તમારા ડેટા, વ્યક્તિગત જાણકારી અને બેંક એકાઉન્ટમાં જમા પૈસા પર જોખમ તોળાય છે. હોટલના વાઈ-ફાઈ સાથે હજારો લોકો કનેક્ટ હોય છે, તેથી હેકિંગનો શિકાર બનવું એ કોઈ મોટી વાત નથી. હોટલના વાઈ-ફાઈ નેટવર્કમાં જૂના સેફ્ટી ફીચર્સ હોવાથી હેકર્સ માટે તેમાં સેંઠ મારવી ખૂબ જ સરળ બની જાય છે.
એકવાર જ્યારે ગુનેગારો હોટલના વાઈ-ફાઈ રાઉટરનો એક્સેસ મેળવી લે છે, ત્યારે તેઓ નેટવર્ક પર હાજર કોઈપણ ડિવાઈસના ડેટા સુધી પહોંચી શકે છે. તેઓ તમારી ઓનલાઈન એક્ટિવિટીઝ પર નજર રાખી શકે છે, તમારા પાસવર્ડ અને ખાનગી માહિતી ચોરી શકે છે.
હેકર્સ ડેટા કેવી રીતે મેળવે છે?
હેકર્સ એક ‘મેલવેર’ (Malware) છોડી શકે છે, જે વાઈ-ફાઈ રાઉટર દ્વારા તેની સાથે જોડાયેલા અન્ય ડિવાઈસમાં જઈ શકે છે. અથવા તે રાઉટરની સેટિંગ્સ બદલી શકે છે, જેનાથી લોકો ફેક (નકલી) વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ થઈ શકે છે.
પાસવર્ડવાળા હોટલ વાઈ-ફાઈ કેટલા સુરક્ષિત?
જો હોટલના વાઈ-ફાઈમાં પાસવર્ડ હોય, તો શું તે સેફ છે? જવાબ છે- ના. હંમેશા આવા નેટવર્ક સુરક્ષિત હોય તે જરૂરી નથી. જેવું તમે હોટલના વાઈ-ફાઈ સાથે કનેક્ટ થાઓ છો, ત્યારે હોટલ પોતે પણ તમારા ડિવાઈસની બેઝિક જાણકારી જોઈ શકે છે.
સાયબર ગુનેગારો નેટવર્ક સાથે જોડાઈને ‘સ્પાયવેર’ ઇન્સ્ટોલ કરી શકે છે. ત્યાંથી હેકર્સ “સેશન ટેકઓવર” લોન્ચ કરી શકે છે, જેના દ્વારા તેઓ તમારા વેબ બ્રાઉઝિંગ સેશનને હાઈજેક કરી લે છે અને તમારા ડિવાઈસ પર પાસવર્ડ તથા સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ જેવી દરેક વસ્તુ એક્સેસ કરી શકે છે.
સુરક્ષિત રહેવા માટે શું કરવું?
VPN નો ઉપયોગ કરો: મુસાફરી દરમિયાન સુરક્ષિત રહેવા માટે હંમેશા VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો ઉપયોગ કરો.
બેંકિંગ ટ્રાન્ઝેક્શન ટાળો: હોટલના વાઈ-ફાઈ પર બેંકિંગ જેવા મહત્વના વ્યવહારો ક્યારેય ન કરો.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન: તમારા તમામ જરૂરી એકાઉન્ટ્સ પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઈનેબલ રાખો.
મોબાઇલ હોટસ્પોટ: જાહેર વાઈ-ફાઈના બદલે પોતાના મોબાઈલના હોટસ્પોટનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
HTTPS તપાસો: તમે જે વેબસાઇટ પર જાઓ છો તેના URL માં ‘HTTPS’ છે કે નહીં તે તપાસો, જેથી ખાતરી થાય કે કનેક્શન સુરક્ષિત છે.

