President Murmu Grand Welcome: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું શુક્રવારે સંસદ ભવનના સંકુલમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુર્મુ જ્યારે બગીમાં સવાર થઈને સંસદ ભવન પહોંચ્યા ત્યારે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા સરકાર દ્વારા સાંસ્કૃતિક પ્રતીક તરીકે અપનાવવામાં આવેલા ‘સેંગોલ (રાજદંડ)’ ને ધારણ કરેલા એક અધિકારીએ તેમનું અભિવાદન કર્યું હતું.
પરંપરાગત બગીમાં સવાર થઈને સંસદ પહોંચ્યા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી, જેની સાથે જ બજેટ સત્રની ઔપચારિક શરૂઆત થઈ હતી. રાજધાનીમાં ધુમ્મસભરી સવાર વચ્ચે રાષ્ટ્રપતિ મુર્મુ છ ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતી પરંપરાગત બગીમાં સવાર થઈને સંસદ પહોંચ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રપતિના અશ્વરોહી અંગરક્ષક દળની ટુકડી પણ હતી.
રાષ્ટ્રપતિને લોકસભા ખંડમાં લઈ ગયા પીએમ મોદી
સંસદ ભવનના લૉનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, વડાપ્રધાન મોદી, લોકસભા અધ્યક્ષ બિરલા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રીજીજુ તેમને લોકસભા ખંડ સુધી લઈ ગયા હતા. રાષ્ટ્રપતિના આગમન પહેલા, પરંપરાગત વેશભૂષા પહેરેલા લોકસભાના એક વરિષ્ઠ માર્શલે ‘રાજદંડ’ (સેંગોલ) ને તેના સ્થાનેથી હટાવ્યો અને ડ્રમના નાદ વચ્ચે અધ્યક્ષ ઓમ બિરલાની સાથે જુલૂસ સ્વરૂપે આગળ વધ્યા હતા.
સંસદ ભવનના ગજ દ્વાર પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું
ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભા અધ્યક્ષે સંસદ ભવનના ગજ દ્વાર પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને ‘રાજદંડ’ ને શ્રદ્ધાપૂર્વક ધારણ કરેલા અધિકારીના નેતૃત્વમાં તમામ લોકો લોકસભા ખંડમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તમામ સાંસદોએ ગૃહ ચલાવવામાં સાથ આપવો પડશે. તેમણે આગળ ઉમેર્યું કે મને સંસદના આ સત્રને સંબોધતા આનંદ થઈ રહ્યો છે. ગયું વર્ષ ભારતની ઝડપી પ્રગતિ અને વિરાસતના ઉત્સવ તરીકે યાદગાર રહ્યું હતું.

