Currency Security Features: આપણે માણસની એક આદત હોય છે, દરરોજ વપરાતી ચીજો પર આપણે એટલી નજર નથી નાખતા જેટલું ધ્યાન આપણું ક્યારેક જ દેખાતી વસ્તુઓ પર હોય છે. પહેલીવાર કે ક્યારેક જ જોવા મળતી ચીજ કે કોઈ જાનવર દેખાય તો આપણે તેના વિશે બધું જ જાણી લેવા માંગીએ છીએ, પણ રોજબરોજની વસ્તુઓ વિશે આવી રુચિ નથી દાખવતા. આવું જ કંઈક તમે તમારા પર્સમાં રહેલી નોટો સાથે પણ કર્યું હશે. દરરોજ વાપરવામાં આવતી નોટો પર તમે ખાસ ધ્યાન નહીં આપ્યું હોય અને એક એવી જાણકારી તમને નહીં ખબર હોય જે ખૂબ જ રસપ્રદ છે. ચાલો અમે તમને તેના વિશે જણાવીએ.
તમે પહેલા આ કામ કરો
તમે એક કામ કરો. તમારા પર્સમાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢો. તે નોટની કિનારી પર નજર નાખો. ત્યાં તમને ત્રાસી લાઇન દેખાશે. હવે તમે ૨૦૦ અને ૫૦૦ની નોટ પણ કાઢો અને તેની કિનારી પર પણ નજર નાખો. આ બંને નોટોમાં પણ તમને કિનારી પર ત્રાસી લાઇન જોવા મળશે. તમે ભાગ્યે જ આજ પહેલા આ ત્રાસી લાઇન પર ધ્યાન આપ્યું હશે. શું તમે જાણો છો કે આ લાઇન નોટ પર શા માટે બનેલી હોય છે?
આખરે કેમ હોય છે આ લાઇન?
તમે જો અમારા કહેવા પર આ ત્રણેય નોટોને જોઈ હોય, તો તમે નોટિસ કર્યું હશે કે ૧૦૦ની નોટ પર બંને તરફ ૪-૪ લાઇન બનેલી છે. જ્યારે ૨૦૦ની નોટ પર પણ બંને તરફ ૪-૪ લાઇન છે અને તેમની વચ્ચે બે-બે ગોળ ટપકા (સર્કલ) પણ બનેલા છે. હવે ૫૦૦ની નોટની વાત કરીએ. ૫૦૦ની નોટ પર બંને તરફ ૫-૫ લાઇન બનેલી હોય છે અને આ બધી લાઇન ત્રાસી હોય છે. ચાલો હવે તમને જણાવીએ કે આ લાઇન કેમ બનેલી હોય છે. તમને જણાવી દઈએ કે આ લાઇન ખાસ કરીને દ્રષ્ટિહીન (Blind) લોકો માટે હોય છે. આ લાઇન એટલે બનાવવામાં આવે છે જેથી તેમને કોઈ છેતરી ન શકે અને આ જ કારણે બધી નોટો પર અલગ-અલગ રીતે લાઇન હોય છે.

