Instagram Safety Tips: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમ કે ઇન્સ્ટાગ્રામ, આપણા જોડાવાની, વાતો કરવાની અને પોતાની જિંદગી શેર કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે, પરંતુ આના ફાયદાની સાથે-સાથે કેટલાક જોખમો પણ આવે છે. જેમ કે ઓનલાઇન હેરાનગતિ, ખરાબ બોલવું અથવા કોઈની સાથે ઝઘડો થઈ જવો. જો કોઈ તમને અનિચ્છનીય મેસેજ મોકલે, ખરાબ કોમેન્ટ કરે અથવા સાર્વજનિક રૂપે દલીલ કરે, તો આવી સ્થિતિને યોગ્ય રીતે સંભાળવી જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે તમારી પોસ્ટ અથવા કોઈ કોમેન્ટ પર તમને ટ્રોલ કરવામાં આવે, ત્યારે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ.
સમસ્યાને વહેલી ઓળખો
સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે તમને કયા પ્રકારની ઓનલાઇન પરેશાની થઈ રહી છે. સામાન્ય રીતે આ ડાયરેક્ટ મેસેજ (DM) માં ગંદા, અપમાનજનક કે ધમકીભર્યા મેસેજ, તમારી પોસ્ટ કે રીલ પર નકારાત્મક કે ખરાબ વર્તન કરનારી કોમેન્ટ, તમારા નામે ચલાવવામાં આવતા નકલી કે ફેક એકાઉન્ટ અને કોમેન્ટમાં ઝડપથી વધતી દલીલો કે ઝઘડા વગેરે સ્વરૂપે હોઈ શકે છે. જ્યારે તમે ઓળખી લો છો કે કેવા પ્રકારની પરેશાની થઈ રહી છે, ત્યારે જ તમે આગળનું યોગ્ય પગલું ભરી શકો છો.
પુરાવા સુરક્ષિત રાખો
કોઈપણ કાર્યવાહી કરતા પહેલા, તમને મળેલા અપમાનજનક કે પરેશાન કરનારા કન્ટેન્ટનો રેકોર્ડ રાખવો ખૂબ જ જરૂરી છે. મેસેજ, કોમેન્ટ કે પોસ્ટના સ્ક્રીનશોટ લેવા, ઘટનાની તારીખ અને સમય નોંધવો અને તે પોસ્ટ, કોમેન્ટ કે પ્રોફાઇલની લિંક (URL) સેવ કરવી વગેરે. આ પુરાવા આગળ જતાં ખૂબ કામ આવે છે. ખાસ કરીને જ્યારે તમારે આ મામલે ઇન્સ્ટાગ્રામને રિપોર્ટ કરવો હોય અથવા જરૂર પડ્યે પોલીસ કે અન્ય અધિકારીઓને જણાવવાનું હોય.
કેવી રીતે નિપટવું
ઇન્સ્ટાગ્રામ યુઝર્સને પરેશાનીઓથી બચાવવા માટે ઘણા સુરક્ષા વિકલ્પો આપે છે. તમે આનો ઉપયોગ કરી શકો છો:
બ્લોક (Block): જે વ્યક્તિને બ્લોક કરશો, તે તમારી પ્રોફાઇલ જોઈ શકશે નહીં, કે તમને મેસેજ કરી શકશે નહીં.
રિસ્ટ્રિક્ટ (Restrict): આમાં તમે તે વ્યક્તિને જાણ થયા વગર તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી શકો છો. રિસ્ટ્રિક્ટ કરેલ યુઝર કોમેન્ટ તો કરી શકે છે, પરંતુ તે કોમેન્ટ માત્ર તે અને તમે જ જોઈ શકશો, બીજા કોઈને દેખાશે નહીં.
રિપોર્ટ (Report): કોઈ ખરાબ મેસેજ, પોસ્ટ કે એકાઉન્ટને સીધું ઇન્સ્ટાગ્રામને રિપોર્ટ કરો જેથી પ્લેટફોર્મ કાર્યવાહી કરી શકે.
આ સિવાય તમે તમારું એકાઉન્ટ પ્રાઇવેટ કરી શકો છો, નક્કી કરી શકો છો કે કોણ તમારી પોસ્ટ પર કોમેન્ટ કરી શકે છે અને મેસેજ માત્ર ફોલોઅર્સ સુધી મર્યાદિત કરી શકો છો. આ તમામ ફીચર્સ તમને ઓનલાઇન સુરક્ષિત અને નિયંત્રણમાં રહેવામાં મદદ કરે છે.

