Jabalpur Seroha Stone Pelting: જબલપુરમાં આરતી સમયે લાઉડસ્પીકર મુદ્દે ભારે પથ્થરમારો, મંદિર-મસ્જિદ આમને-સામને હોવાથી આઝાદ ચોકમાં સ્થિતિ બની સ્ફોટક

Arati Parmar
3 Min Read

Jabalpur Seroha Stone Pelting: મધ્યપ્રદેશમાં જબલપુરના સિહોરા વિસ્તારમાં તે સમયે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ, જ્યારે દુર્ગા મંદિરમાં આરતી દરમિયાન લાઉડસ્પીકરના જોરદાર અવાજને લઈને વિશેષ સમુદાય સાથે જોડાયેલા યુવકોએ મંદિરમાં તોડફોડ શરૂ કરી દીધી. વિશેષ સમુદાયના અનેક લોકો એકઠા થયા અને તેમણે મંદિર પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું. સ્થિતિ એટલી હદે વણસી કે થોડી જ વારમાં ડઝનબંધ તોફાની તત્વો હાથમાં લાઠી-ડંડા અને પથ્થર લઈને રસ્તા પર નીકળી પડ્યા અને પથ્થરબાજી શરૂ કરી દીધી. પોલીસને ટીયર ગેસના ગોળા છોડીને સ્થિતિને નિયંત્રિત કરવી પડી હતી.

મસ્જિદ પરથી યુવકો કરી રહ્યા હતા પથ્થરમારો

સિહોરા વિસ્તારમાં થયેલા હોબાળાના અનેક વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં ૨૦-૩૦ યુવકો મસ્જિદની ઉપરથી પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. આ લોકોના હાથમાં ડંડા અને તલવારો નજરે પડી રહી છે. મંદિર પર પથ્થરમારો કર્યા બાદ આ યુવકો નીચે ઉતરીને પથ્થરબાજી કરતા પણ જોવા મળી રહ્યા છે. જોકે, બીજી બાજુથી કોઈ પથ્થરમારો કરતું જોવા મળતું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે બબાલ શાંત કરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા પણ છોડ્યા.

- Advertisement -

લાઉડસ્પીકરના જોરદાર અવાજથી શરૂ થયો વિવાદ

આ આખા વિવાદ પાછળ લાઉડસ્પીકરના જોરદાર અવાજને કારણ બતાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં આરતી દરમિયાન વગાડવામાં આવી રહેલા સ્પીકરના અવાજ પર વિશેષ સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. આ ઘટના સિહોરાના વોર્ડ નંબર ૫ આઝાદ ચોકની છે. આ વિસ્તારમાં દુર્ગા મંદિરની બિલકુલ સામે જ વિશેષ સમુદાયની મદીના મસ્જિદ અહલે સુન્નત નામની મસ્જિદ પણ છે.

મંદિર અને મસ્જિદ છે આમને-સામને

મંદિર અને મસ્જિદ આમને-સામને હોવાને કારણે અહીં બંને પક્ષો વચ્ચે ટકરાવની શક્યતા હંમેશા રહેતી હોય છે. રમઝાન મહિનો શરૂ થવાની સાથે જ વિસ્તારની સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જબલપુર રેન્જના આઈજી, ડીઆઈજી, જિલ્લા કલેક્ટર, એસપીની સાથે સાથે પોલીસ અને વહીવટીતંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

- Advertisement -

અત્યારે પોલીસે બે ડઝનથી વધુ તોફાનીઓની ઓળખ કરી લીધી છે, જેમાંથી ૧૫થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત તોફાનીઓના વાહનો જપ્ત કરવાની સાથે તેમની સામે પ્રતિબંધાત્મક કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. સિહોરાના આઝાદ ચોક પર તણાવની સ્થિતિ યથાવત છે.

Share This Article