Samsung 18000mAh Battery: સ્માર્ટફોનની દુનિયામાં થશે મોટી ક્રાંતિ! Samsung કરી રહ્યું છે 18,000mAh ‘સુપર બેટરી’નું ટેસ્ટિંગ

Arati Parmar
4 Min Read

Samsung 18000mAh Battery: બેટરી એ સ્માર્ટફોનનો સૌથી મહત્વનો હિસ્સો છે. આજના સમયમાં લોકોને મોટી બેટરી વાળો સ્માર્ટફોન જોઈએ છે. લોકોની જરૂરિયાતને સમજીને Samsung સ્માર્ટફોન માટે વધુ ક્ષમતા ધરાવતી સિલિકોન કાર્બન (Si-C) બેટરીઓનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. કંપનીએ 12,000mAh અને 18,000mAh બેટરીના પ્રોટોટાઇપનું પરીક્ષણ શરૂ કર્યું છે. એક લીક થયેલા દસ્તાવેજ પરથી જાણવા મળ્યું છે કે Samsung SDI પોતાની બેટરીની મજબૂતી, હીટિંગ કંટ્રોલ અને કામ કરવાની ક્ષમતા સુધારવા માટે ‘સેલ સ્ટેકિંગ ડિઝાઇન’ અને ‘બેટરી મેનેજમેન્ટ સોફ્ટવેર’ પર કામ કરી રહી છે.

2016ની ઘટના બાદ સતર્ક

વર્ષ 2016માં Galaxy Note 7 ની બેટરી ફાટી હતી. ત્યારબાદ સેમસંગ નવી બેટરી ટેકનોલોજીને લઈને ખૂબ જ સાવધાની રાખી રહ્યું છે. કંપની અત્યારે Si-C (સિલિકોન-કાર્બન) બેટરીનું ચોકસાઈપૂર્વક ટેસ્ટિંગ કરી રહી છે. જો ટેસ્ટિંગ સફળ રહેશે તો ભવિષ્યમાં આવનારા ફ્લેગશિપ અને ફોલ્ડેબલ ફોન્સમાં ખૂબ જ પાતળી પરંતુ વધુ પાવર ધરાવતી બેટરીઓ જોવા મળશે. આનાથી ફોનની જાડાઈ અને વજન વધાર્યા વિના જ તેની બેટરી લાઈફ વધી જશે.

- Advertisement -

સિલિકોન કાર્બન હશે બેટરી

એક્સ (X) પર એક યુઝર Schrodinger (@phonefuturist) એ માહિતી શેર કરી છે. યુઝરની પોસ્ટમાં જણાવાયું છે કે સેમસંગ સિલિકોન કાર્બનવાળી સ્માર્ટફોન બેટરીઓનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેમાં 12,000mAh અને 18,000mAh ના પ્રોટોટાઇપ સામેલ છે. આ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પહેલા તબક્કામાં 20,000mAh ની એક મોટી સિલિકોન કાર્બન બેટરીનું ટેસ્ટિંગ થયું હતું, જે લગભગ 960 ચાર્જ સાયકલ પછી ડ્યુરેબિલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી.

જણાવી દઈએ કે સિલિકોન કાર્બન બેટરીમાં ગ્રેફાઇટને બદલે સિલિકોન બેઝ્ડ એનોડનો ઉપયોગ થાય છે. આનાથી તે લિથિયમ-આયન સેલ કરતા વધુ એનર્જી સ્ટોર કરી શકે છે. આ કારણે બેટરીનું કદ વધાર્યા વિના જ વધુ કેપેસિટી મળી જાય છે. ઘણી આધુનિક સ્માર્ટફોન કંપનીઓ, ખાસ કરીને ચીની કંપનીઓ પહેલેથી જ આ ટેકનોલોજી અપનાવી ચૂકી છે.

- Advertisement -

મોટી બેટરી, પરંતુ સ્લિમ સ્માર્ટફોન

અહેવાલો મુજબ, એક પ્રોટોટાઇપની ક્ષમતા 12,000mAh છે. જેમાં ટુ-સેલ (બે સેલ) સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એક 6,800mAh નો સેલ છે, જેની જાડાઈ લગભગ 4.7mm અને બીજો 5,200mAh નો સેલ છે જેની જાડાઈ લગભગ 3.2mm છે. તેની કુલ જાડાઈ લગભગ 9.3mm થી ઓછી રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, કેટલાક ટેસ્ટમાં આ મર્યાદા વટાવી ગઈ હતી.

ખબરો અનુસાર, Samsung એક 18,000mAh ની બેટરીનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેને ત્રણ સેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેમાં 6,699mAh, 6,000mAh અને 5,257mAh ના સેલ સામેલ છે. તેની કુલ જાડાઈ લગભગ 12.3mm રાખવાનું વિચારાયું છે. પરંતુ સેલ વચ્ચે વધારાના થર્મલ ઇન્ટરફેસ લેયર્સના કારણે કેટલાક પ્રોટોટાઇપની જાડાઈ વધીને લગભગ 12.8mm સુધી પહોંચી ગઈ છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર, આ ટેસ્ટિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય 12,000mAh અને 18,000mAh ની બેટરીઓ માટે લગભગ 1,500 ચાર્જ સાયકલની લાઈફ આપવાનો છે. આના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12,000mAh વાળું વર્ઝન મોબાઈલ ડેટા અને Wi-Fi બંનેથી કનેક્ટેડ સ્માર્ટફોન પર લગભગ 20 થી 25 કલાકનો ‘સ્ક્રીન ઓન ટાઈમ’ આપી શકે છે. જો આ ટેસ્ટિંગ સફળ થયું તો આગામી સમયમાં સેમસંગના ફોન્સમાં 12,000mAh અને 18,000mAh ની બેટરી મળી શકે છે.

Share This Article