Fuel Supply EV Subsidies India: હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) થી જહાજોની અવરજવર રોકવાના ઈરાની પગલાં વચ્ચે સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ, LNG અને LPGનો સપ્લાય સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે LPGની આયાત પ્રભાવિત થઈ છે, પરંતુ ઘરેલું LPG સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલી રહી છે. સાથે જ, હોર્મુઝ સ્ટ્રેટની આ તરફ આવી પહોંચેલું અને લગભગ ૨૦૪૦૦ ટન LPG લાવી રહેલું જહાજ ‘જગ વિક્રમ’ મંગળવારે કંડલા બંદર પર પહોંચવાનું છે.
સપ્લાય ચેઈન બહેતર બનશે
સરકારે એમ પણ કહ્યું કે તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ને પ્રોત્સાહન આપવાના પગલાં લેવામાં આવ્યા છે અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ‘PM ઈ-ડ્રાઈવ સ્કીમ’ની અવધિ ૩ મહિના વધારીને આ વર્ષે ૩૧ જુલાઈ સુધી કરવામાં આવી છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી હનીફ કુરેશીએ જણાવ્યું હતું કે પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમ અને પીએલઆઈ ઓટો સ્કીમ સાથે રેર અર્થ મેગ્નેટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાથી સપ્લાય ચેઈન બહેતર બનશે.
૨૦૨૮ સુધી સબસિડી લંબાવવામાં આવી
હનીફ કુરેશીએ જણાવ્યું કે ફ્લેક્સ ફ્યુઅલનો પણ એક પ્રોગ્રામ છે અને ઉદ્યોગો હવે એવા વાહનો લાવવા લાગ્યા છે જેમાં ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ થાય છે. કુરેશીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ વધવાથી ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટશે. પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમ હેઠળ થ્રી-વ્હીલર ઈ-રિક્ષા માટેની સબસિડી માર્ચ ૨૦૨૮ સુધી લંબાવી દેવામાં આવી છે.
‘ઘરેલું સિલિન્ડરોનો સપ્લાય સામાન્ય’
તેલ અને ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે યુદ્ધથી LPGની આયાત પર અસર પડી છે, પરંતુ ઘરેલું સિલિન્ડરોનો સપ્લાય સામાન્ય રીતે ચાલી રહ્યો છે. અમેરિકી ધમકી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલથી લઈને LNG અને LPGની આયાત માટેના પગલાં અગાઉથી જ લેવામાં આવ્યા હતા, જેના કારણે દેશમાં સપ્લાય સુચારૂ રીતે ચાલી રહ્યો છે.

