Ahmedabad Capsule Design: અમદાવાદના સોલા સિવિલ ચાર રસ્તા બંધ, હવે 150 મીટર આગળથી લેવો પડશે યુ-ટર્ન

Arati Parmar
2 Min Read
Ahmedabad Capsule Design

Ahmedabad Capsule Design: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા કેપ્સુલ ડિઝાઈનનો પ્રયોગ આગળ વધારવામાં આવી રહ્યો છે. હવે સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પર પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અહીં ચાર રસ્તો બેરિકેડ મૂકીને બંધ કરી દેવાયો છે. પરિણામે વાહનચાલકોએ સીધા રસ્તે આગળ વધવાને બદલે આશરે 150 મીટર દૂર બનાવેલા કેપ્સુલ કટ પરથી યુ-ટર્ન લેવો પડશે.

3 કિલોમીટરમાં ત્રણ જંકશન બંધ

એસજી હાઈવે પર પેલેડિયમ મોલ અને કારગીલ પેટ્રોલ પંપ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પણ બંધ કરવામાં આવ્યો છે. આ રીતે આશરે ત્રણ કિલોમીટરના અંતરમાં ત્રણ મુખ્ય જંકશન પર કેપ્સુલ ડિઝાઈન લાગુ થઈ છે.

- Advertisement -

સોલા સિવિલની બંને બાજુ આશરે 150 મીટરના અંતરે યુ-ટર્ન માટે કેપ્સુલ કટ બનાવવામાં આવ્યા છે. કારગીલ પેટ્રોલ પંપ ચાર રસ્તો પણ સોલાથી લગભગ 650 મીટર દૂર બંધ હોવાથી વાહનચાલકોને ટૂંકા અંતરમાં વારંવાર યુ-ટર્ન લેવો પડી શકે છે.

ટ્રાફિક ઘટશે કે મુશ્કેલી વધશે?

એક જ કિલોમીટરમાં બે-ત્રણ કેપ્સુલ કટ હોવાને કારણે આ વ્યવસ્થાથી ટ્રાફિક ઘટશે કે વધશે તે અંગે વાહનચાલકોમાં સવાલો ઊભા થયા છે. ખાસ કરીને નાના કટ પરથી ભારે વાહનોને યુ-ટર્ન લેવામાં મુશ્કેલી પડે છે.

- Advertisement -

શહેરમાં અત્યાર સુધી 20થી વધુ જંકશન પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સામાન્ય રીતે પહેલાં ત્રણ મહિના બેરિકેડ મૂકીને પ્રયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ ડિવાઈડર બનાવાય છે. જોકે, મકરબા બ્રિજ પાસે આ ડિઝાઈન સફળ ન થતાં તંત્રએ ફરી ટ્રાફિક સિગ્નલ શરૂ કર્યાં હતાં.

કેટલાક વિસ્તારોમાં અમલ અટકાવાયો

જનમાર્ગ અને BRTS કોરિડોરને કારણે નારોલ-નરોડા રોડ, રબારી કોલોની, વિજય પાર્ક અને ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં આ વ્યવસ્થાનો અમલ અટકાવવામાં આવ્યો છે.

- Advertisement -

હાલ પેલેડિયમ મોલ, કારગીલ પેટ્રોલ પંપ, ઈસનપુર, ગરીબનગર, હીરાવાડી, હાટકેશ્વર અને સોલા સિવિલ જેવા સ્થળોએ કેપ્સુલ ડિઝાઈન અમલમાં છે.

Share This Article