AMTS Charging Stations: AMTS પાસે એક પણ પોતાની EV બસ નહીં, છતાં ચાર્જિંગ સ્ટેશન પાછળ ખર્ચાશે 30 કરોડ રૂપિયા

Arati Parmar
2 Min Read
AMTS Charging Stations

AMTS Charging Stations: અમદાવાદની જાહેર પરિવહન સેવા AMTSના વહીવટ અને ખર્ચને લઈને ફરી સવાલો ઊભા થયા છે. એક તરફ AMTS પર આશરે 5,000 કરોડ રૂપિયાનું દેવું હોવાની વાત સામે આવી છે, તો બીજી તરફ ખાનગી ઓપરેટરોની ઈલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે AMTS પાસે પોતાની માલિકીની એક પણ EV બસ નથી. તેમ છતાં ખાનગી ઓપરેટરોને ચાર્જિંગની સુવિધા આપવા માટે મ્યુનિસિપલ તંત્ર આશરે 30 કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારીમાં છે.

6 સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના

AMTS દ્વારા અમદાવાદમાં લાલ દરવાજા, પાલડી, વાસણા, વાડજ, સારંગપુર અને આશ્રમ રોડ સહિત કુલ છ સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

- Advertisement -

આ કામગીરીમાં સૌથી પહેલાં લાલ દરવાજા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે પ્રાચી એન્ડ કંપનીને 4.87 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી સોંપવાની યોજના છે.

ખાનગી ઓપરેટરોની બસોને મળશે સસ્તું ચાર્જિંગ

હાલમાં અમદાવાદમાં આશરે 100 ઈલેક્ટ્રિક બસો કાર્યરત છે. આગામી સમયમાં વધુ 300 બસો લાવવાનું આયોજન છે. આ તમામ બસોનું સંચાલન ખાનગી ઓપરેટરો દ્વારા કરવામાં આવશે. AMTS દ્વારા બસ ખરીદવાને બદલે ખાનગી ઓપરેટરો પાસેથી બસ સેવા લેવામાં આવે છે. તેના બદલામાં મ્યુનિસિપલ તંત્ર ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 81થી 84 રૂપિયા ચૂકવે છે.

- Advertisement -

હવે આ ખાનગી બસો માટે ચાર્જિંગ સ્ટેશન પણ મ્યુનિસિપલ તંત્ર પોતાના ખર્ચે તૈયાર કરશે. એટલું જ નહીં, ઓપરેટરોને પ્રતિ યુનિટ માત્ર 8 રૂપિયાના દરે વીજળી આપવાની યોજના છે.

બજારભાવ કરતાં ઓછા દરે ચાર્જિંગ

હાલ બજારમાં ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગ માટે વીજળીનો દર પ્રતિ યુનિટ 18થી 22 રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. તેની સરખામણીએ AMTS ખાનગી ઓપરેટરોને માત્ર 8 રૂપિયામાં ચાર્જિંગની સુવિધા આપશે.

- Advertisement -

આમ, AMTS પાસે પોતાની એક પણ ઈલેક્ટ્રિક બસ ન હોવા છતાં ખાનગી ઓપરેટરો માટે કરોડો રૂપિયાના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના ચર્ચાનો વિષય બની છે. પહેલેથી જ દેવાના ભાર હેઠળ ચાલતા તંત્રના આ ખર્ચથી નાણાકીય બોજ કેટલો વધશે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Share This Article