મહાત્મા ગાંધીના પૌત્ર કનુ ગાંધીની અમેરિકાની જમીન પરથી ગેરકાયદે કબજો હટાવવાનો આદેશ, 20 મહિના પછી કાનૂની લડાઈમાં જીત
Mahatma Gandhi Grandson News: અમેરિકાની વર્જિનિયા કોર્ટે મહાત્મા ગાંધીના પૌત્ર કનુ ગાંધી અને તેમની પત્ની શિવાની જમીન પરથી કબજો હટાવવાનો આદેશ આપ્યો છે. કનુ ગાંધી તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં દક્ષિણ ગુજરાતમાં આવીને રહેતા હતા. વર્જિનિયામાં આવેલી એક મિલકત પર ગેરકાયદે કબજો થઈ ગયો હતો. સુરતના પરિમલ દેસાઈએ કનુ ગાંધીની મિલકત પાછી મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી. તેમાં તેમને 20 મહિના પછી જીત મળી છે. આ મિલકત કનુ ગાંધી અને તેમની પત્નીએ 1987માં ખરીદી હતી. ત્યારબાદ તેમણે એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું અને પોતાની મિલકત તેને સોંપી દીધી હતી. પરિમલ દેસાઈ તે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. આ ચુકાદો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અમેરિકાની કોર્ટના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે.
અમેરિકાના નાગરિકે મોકલી હતી નોટિસ
પરિમલ દેસાઈએ જણાવ્યું કે અમેરિકાના નાગરિક ગ્રેગરી બ્લેકે 10 જાન્યુઆરી, 2025ના રોજ મારા ઘરે કાનૂની નોટિસ મોકલી હતી. બ્લેકે વર્જિનિયાના એડવર્સ પઝેશન નિયમ હેઠળ જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ નિયમ અનુસાર જો 5 શરતો પૂર્ણ થાય, તો 15 વર્ષ સુધી કબજો રાખનાર વ્યક્તિ જમીનનો માલિક બની શકે છે. પરંતુ તે જમીન પર પોતાના વાસ્તવિક કબજા અને વિરોધી દાવાની શરતો સાબિત કરી શક્યો નહોતો. કોર્ટે તેને કબજો હટાવવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં કનુ ગાંધી અને શિવા ગાંધી 2013માં ભારત પાછા ફર્યા હતા. નવેમ્બર 2016માં સુરતમાં કનુ ગાંધીનું અવસાન થયું હતું.
ક્યારે શું થયું
- વૉરેન કાઉન્ટીમાં આવેલી આ જમીન ગાંધી દંપતીએ 1987માં ખરીદી હતી.
- કનુ ગાંધીની વસિયત અનુસાર તેમની મિલકત પત્ની શિવા ગાંધીને મળી હતી.
- 2018માં શિવા ગાંધીએ ‘ધ ડૉ. શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું હતું.
- 2020માં તેમના અવસાન બાદ વસિયતનો અમલ કરવામાં આવ્યો હતો. પરિમલ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા.
- ટ્રસ્ટને તેમની મિલકતો મળી હતી, જેનો ઉપયોગ ચેરિટેબલ કાર્યો માટે કરવામાં આવે છે.
ટ્રસ્ટનો કબજો હોવો જરૂરી હતો
પરિમલ દેસાઈએ જણાવ્યું કે હું પહેલીવાર 2024માં વર્જિનિયા ગયો હતો. 4,500 ડૉલર ખર્ચીને ત્યાં એક સર્વે કરાવ્યો હતો. જો ટ્રસ્ટને આ જમીન સાથે કંઈપણ કરવું હોય, તો તેના કબજામાં હોવું જરૂરી હતું. મેં 2025માં અમેરિકાની અદાલત પાસેથી વસિયતને પ્રમાણિત (પ્રોબેટ) કરાવી હતી અને જમીનની માલિકી ટ્રસ્ટના નામે કરાવી હતી. દેસાઈએ જણાવ્યું કે આ કેસ જીતવા માટે મેં અમેરિકામાં વકીલો રાખ્યા હતા અને ભારતમાંથી પણ કામ કર્યું હતું.
GISએ બ્લેકના દાવાની પોલ ખોલી
પરિમલ દેસાઈના જણાવ્યા અનુસાર અમે GIS મેપ્સની મદદથી સાબિત કરવામાં સફળ રહ્યા કે તે કેબિન છેલ્લા 15 વર્ષથી ત્યાં હતું જ નહીં. 2020 પછી હું ઘણીવાર ત્યાં ગયો હતો. જેના કારણે તેનો આ દાવો ખોટો સાબિત થયો કે તે ખરેખર ત્યાં કબજો જમાવીને રહેતો હતો. દેસાઈએ જણાવ્યું કે અમને ત્યાં એક અન્ય મહિલા પણ મળી હતી, જે તે જમીન પર રહેતી હતી. જેના કારણે બ્લેકનો આ દાવો પણ ખોટો સાબિત થયો કે ત્યાં માત્ર તેનો જ કબજો હતો.
વર્જિનિયા કોર્ટે આપ્યો કડક આદેશ
21 ઑક્ટોબરે આપવામાં આવેલા પોતાના આદેશમાં વૉરેન કાઉન્ટી સર્કિટ કોર્ટના જજ ડેરિલ એલ. ફંકે દેસાઈ અને ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અદાલતે બ્લેકને અજાણ્યા વારસદારોનું પ્રતિનિધિત્વ કરતા ગાર્ડિયન એડ લિટેમની ફી તરીકે 11,375 ડૉલર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે બ્લેકને એવો પણ આદેશ આપ્યો કે તે 30 દિવસની અંદર પોતાના ખર્ચે ત્યાંથી કેબિન, શિકાર માટે બનાવવામાં આવેલા મચાન, ઝૂંપડીઓ અને પોતાની અંગત વસ્તુઓ હટાવી લે. એટલું જ નહીં, બ્લેકને જમીનનો કબજો સોંપવા અને ત્યાં ફરીથી ન આવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

