કોન્ટ્રાક્ટ નોકરી માટે 30 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીની લાંચની માગણી, ESIC કર્મચારીની સંડોવણી પણ સામે આવી
ESIC Job Bribe Racket: એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ બાપુનગરની ESIC મૉડલ જનરલ હૉસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી માટે લાંચ લેતા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હી સ્થિત આઉટસોર્સિંગ એજન્સીના બે ઑપરેશન મેનેજરનો સમાવેશ થાય છે.
આરોપીઓને 10 સપ્ટેમ્બરના રોજ વટવા GIDC ખાતે સિક્યોરિટી શીલ્ડ સિક્યોરિટી સર્વિસિસની ઑફિસમાં એક ઉમેદવાર પાસેથી 95,000 રૂપિયા સ્વીકારતા પકડી પાડવામાં આવ્યા હતા. આ એજન્સી પાસે હૉસ્પિટલમાં પેરામેડિકલ, હાઉસકીપિંગ અને ક્લીનિંગ સ્ટાફ સહિત મેનપાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઑપરેશન મેનેજર પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા, રાજીવ શુક્લા અને જયેશકુમાર ચૌધરીનો સમાવેશ થાય છે.
ACBએ કંપનીની ઑફિસમાંથી 2.29 લાખ રૂપિયા રોકડા અને હૉટેલના રૂમમાં રાખવામાં આવેલી બૅગમાંથી વધુ 19.29 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા. કુલ મળીને 21.57 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ રેકેટમાં અલગ-અલગ નોકરીઓ માટે ઉમેદવારો પાસેથી 30,000 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની માગણી કરવામાં આવતી હોવાનો આરોપ છે. ACBને ESICના લોઅર ડિવિઝનલ ક્લાર્ક રાજેન્દ્ર મીનાની સંડોવણી પણ મળી છે. પોલીસે જણાવ્યું કે ઉમેદવારોને લાંચ તરીકે લગભગ બે મહિનાના પગાર જેટલી રકમ ચૂકવવા માટે પણ કહેવામાં આવતું હતું.

