Bharat Taxi ડિજિટલ પ્લેટફોર્મથી ડ્રાઇવરોને મળશે કમિશન વગરની કમાણી અને અનેક લાભો
Bharat Taxi: કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ભારત ટેક્સી પહેલને દેશભરના ચાલકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને આ સહકારી ડિજિટલ એપ મોબિલિટી પ્લેટફોર્મ સાથે અત્યાર સુધી કુલ 7.97 લાખ ડ્રાઇવર-પાર્ટનર (સારથી) જોડાઈ ચૂક્યા છે. સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યસભામાં આપેલા લેખિત જવાબ અનુસાર, હાલમાં તેની શરૂઆત દિલ્હી-એનસીઆર, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય વિસ્તારોમાં કરવામાં આવી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ 2.55 લાખ સારથી નોંધાયેલા છે. ઝીરો-કમિશન મોડલ અને કો-ઓપરેટિવ સિસ્ટમ પર આધારિત આ ડિજિટલ પ્લેટફોર્મ ડ્રાઇવરોની આવક સુરક્ષિત રાખવાની સાથે તેમને રાહત દરે વીમો અને લોન જેવી અનેક કલ્યાણકારી તેમજ નાણાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
રાજ્યો અનુસાર ડ્રાઇવરોની નોંધણી
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 જુલાઈ સુધી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સૌથી વધુ 2.55 લાખ સારથી આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે. ઉપરાંત, ગુજરાતમાં 1.01 લાખ અને મહારાષ્ટ્રમાં 71,095 સારથી નોંધાઈ ચૂક્યા છે, જે આ સહકારી મોડલની વધતી લોકપ્રિયતાનો પુરાવો છે.
ઝીરો-કમિશન મોડલ
સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ (STCL) દ્વારા સંચાલિત આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે ઝીરો-કમિશન મોડલ પર કાર્ય કરે છે. તેનો અર્થ એ છે કે મુસાફરીના ભાડામાંથી સારથીની કમાણી પર કોઈપણ પ્રકારનું કમિશન કાપવામાં આવતું નથી. માત્ર ટેક્નોલોજી અને એપના જાળવણી માટે સારથીઓ પાસેથી સામાન્ય સબ્સ્ક્રિપ્શન અથવા પ્લેટફોર્મ ફી લેવામાં આવે છે, જેથી તેમની આવક સુરક્ષિત રહે છે.
કલ્યાણકારી અને નાણાકીય સુવિધાઓ
સહકારી સંસ્થાના સભ્ય બનનારા સારથીઓને મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 2002 હેઠળ અનેક લાભો મળે છે. તેમાં રાહત દરે આરોગ્ય અને વ્યક્તિગત અકસ્માત વીમો, એસબીઆઈ મુદ્રા લોન જેવી સંસ્થાકીય લોન તેમજ બેંકો મારફતે વાહન ફાઇનાન્સની સુવિધાનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં વિસ્તરણ અને તાલીમ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે અન્ય રાજ્યો અને શહેરોમાં ભારત ટેક્સી સેવાનો વિસ્તાર કામગીરીની તૈયારીઓ, કાનૂની પ્રક્રિયાઓ તેમજ રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથેના સંકલનના આધારે કરવામાં આવશે. આ સાથે સારથીઓ માટે સમયાંતરે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ, ગ્રાહક સેવા અને માર્ગ સુરક્ષા સંબંધિત તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

