BYD vs Tesla 2026: મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કંપનીઓમાં સામેલ Teslaને ચીનની BYDએ વાર્ષિક વેચાણમાં પાછળ છોડી દીધી છે. ગયા વર્ષે BYDનું કુલ વેચાણ ૧૧૬ અબજ ડોલર રહ્યું છે. બિલીનેયર ઇલોન મસ્કની ટેસ્લા કરતા આ વધારે છે. જોકે, BYDના નફામાં ઘટાડો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં BYDએ યુરોપ અને લેટિન અમેરિકામાં વિસ્તરણ કર્યું છે. જોકે, કંપની માટે ચીન એક મોટું માર્કેટ છે. તેણે ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલાક મોટા પગલાં ભર્યા છે. તાજેતરમાં જ કંપનીએ ફાસ્ટ ચાર્જિંગ વાળી એક પાવરફુલ બેટરી રજૂ કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે BYD એ લગભગ ૨૨.૬ લાખ EVsનું વેચાણ કર્યું છે. ટેસ્લાનું વેચાણ લગભગ ૧૬.૪ લાખ યુનિટ્સ છે. ગયા વર્ષે આ અમેરિકન EV મેકરની આવક ૯૪.૮ અબજ ડોલર રહી છે.
જોકે, ચીન સહિત ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પર્ધા વધવાની અસર BYDના નફા પર થઈ રહી છે. ગયા વર્ષે કંપનીનો નફો લગભગ ૪.૭ અબજ ડોલર રહ્યો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ લગભગ ૧૯ ટકાનો ઘટાડો છે. કંપનીની નવી બેટરી અને ચાર્જિંગ સિસ્ટમથી સામાન્ય સ્થિતિમાં EVsને ૧૦ ટકાથી ૯૭ ટકા સુધી લગભગ નવ મિનિટમાં ચાર્જ કરી શકાશે. આ સાથે જ ઓછા તાપમાનમાં ચાર્જિંગમાં થતી સમસ્યાને પણ દૂર કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે આ બેટરીને -૩૦ ડિગ્રી જેટલા ઓછા તાપમાનમાં સામાન્ય સ્થિતિની સરખામણીમાં માત્ર ત્રણ મિનિટના વધારા સાથે ૨૦ થી ૯૭ ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
BYDએ નવી બેટરીને લગભગ છ વર્ષના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પછી તૈયાર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તેણે Blade બેટરીના નવા વર્ઝનમાં એનર્જી ડેન્સિટીને પાછલા વર્ઝનની સરખામણીમાં લગભગ પાંચ ટકા વધારી છે. તેમાં લિથિયમ-આયન હાઈ-સ્પીડ ચેનલ અને અપડેટેડ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપનીએ નવી હાઈ પાવર ચાર્જિંગ સિસ્ટમ FLASH પણ રજૂ કરી છે. તે ૧,૫૦૦ kW સુધીના સિંગલ-કનેક્ટર આઉટપુટને સપોર્ટ કરે છે. ભારતમાં તાજેતરમાં જ BYDએ Sealion 7ના લોન્ચિંગના એક વર્ષ પૂર્ણ થવા પર તેનું સ્પેશિયલ એનિવર્સરી એડિશન લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક SUVમાં એક મોટું અપડેટ લો-વોલ્ટેજ બેટરી માટે LFP ટેકનોલોજીનો સમાવેશ કરવાનું છે.

