New Skoda Kushaq 2026: 10.69 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે નવી SUV રજૂ, જાણો ફીચર્સ અને પરફોર્મન્સ

Arati Parmar
7 Min Read
New Skoda Kushaq 2026

Skoda Kushaq 2026માં રિયર સીટ મસાજથી લઈને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સુધીની સુવિધાઓ, 19.19 લાખ રૂપિયા સુધી કિંમત

New Skoda Kushaq 2026: ભારતીય બજારમાં મિડસાઇઝ SUV સેગમેન્ટમાં એકથી વધીને એક કાર ઉપલબ્ધ છે. તેમાં કિફાયતી કિંમત ધરાવતી સ્કોડા કુશાક પોતાની શાનદાર ખાસિયતો અને પરફોર્મન્સને કારણે વિશેષ સ્થાન ધરાવે છે. તેની મજબૂત યુરોપિયન બિલ્ડ ક્વૉલિટી, શાર્પ LED લાઇટિંગ, તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ અલૉય વ્હીલ્સ, મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને ડિજિટલ કૉકપિટ, રિયર સીટ મસાજ, પેનોરેમિક સનરૂફ અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ જેવી સુવિધાઓ તેને ખાસ બનાવે છે. બૅલેન્સ સસ્પેન્શન, ચોક્કસ સ્ટિયરિંગ અને શક્તિશાળી ટર્બો પરફોર્મન્સને કારણે આ SUV શહેર અને હાઇવે બંને પર વિશ્વસનીય ડ્રાઇવિંગ અનુભવ માટે જાણીતી છે. કુશાક સ્કોડાની બીજી સૌથી વધુ વેચાતી SUV છે. તેની એક્સ-શોરૂમ કિંમત 10.69 લાખ રૂપિયાથી શરૂ થઈને 19.19 લાખ રૂપિયા સુધી જાય છે. તે 1.0 લિટર TSI અને 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. આ ઉપરાંત, સેગમેન્ટમાં પ્રથમ વખત આપવામાં આવેલું 8-સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન પણ તેના પરફોર્મન્સને ખાસ બનાવે છે. ચાલો, સ્કોડા કુશાકની ખાસિયતો જાણીએ.

શાર્પ એક્સટીરિયર ડિઝાઇન અને દરેક વેરિઅન્ટમાં અલૉય વ્હીલ્સ

નવી સ્કોડા કુશાકની એક્સટીરિયર ડિઝાઇન પહેલાં કરતાં વધુ આધુનિક અને જૂના મોડેલની સરખામણીમાં ઘણી સારી બની છે. તેના આગળના ભાગમાં આકર્ષક ગ્રિલ, શાર્પ ઑલ-LED હેડલાઇટ્સ, ઇલ્યુમિનેટેડ લાઇટ બૅન્ડ અને LED ફૉગ લેમ્પ્સ તેને આકર્ષક રોડ પ્રેઝન્સ આપે છે. જ્યારે પાછળની તરફ કનેક્ટેડ LED ટેલલાઇટ્સ અને ઇલ્યુમિનેટેડ સ્કોડા લેટરિંગ તેની ઓળખને વધુ ખાસ બનાવે છે. ખાસ વાત એ છે કે હવે સ્કોડા કુશાકના દરેક વેરિઅન્ટમાં અલૉય વ્હીલ્સ સ્ટાન્ડર્ડ મળે છે. તેના કારણે બેઝ વેરિઅન્ટથી જ કારનો દેખાવ સ્પોર્ટી અને પ્રીમિયમ લાગે છે.

- Advertisement -

પ્રીમિયમ કેબિન અનુભવ, રિયર સીટ મસાજ અને પેનોરેમિક સનરૂફ

  • નવી સ્કોડા કુશાકના કેબિનમાં ટેક્નોલોજી અને આરામનું શાનદાર સંયોજન મળે છે. તેમાં 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લેની સાથે ગૂગલ ક્લાઉડ-આધારિત AI આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. ડ્રાઇવરની સામે 10.25 ઇંચનું ડિજિટલ કૉકપિટ ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની માહિતી આપે છે.
  • આરામ સંબંધિત ફીચર્સની વાત કરીએ તો સ્કોડા કુશાકના ટોપ વેરિઅન્ટમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ્સ તથા સેગમેન્ટમાં પ્રથમ વખત રિયર સીટ મસાજ જેવી સુવિધાઓ મળે છે. તેમાં 385 લિટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે, જે કેટલાંક પ્રતિસ્પર્ધી મોડેલની સરખામણીમાં થોડી ઓછી છે. આ ઉપરાંત, પાછળની સીટ પર બેઠેલા મુસાફરો માટે ફાસ્ટ ચાર્જિંગ C-Type પોર્ટ પણ આપવામાં આવ્યા છે.

5-સ્ટાર સેફ્ટી રેટિંગ અને સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ

  • સુરક્ષાની બાબતમાં સ્કોડા કુશાકે હંમેશાં લોકોનો વિશ્વાસ જીત્યો છે. આ SUV 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આવે છે. તેના દરેક વેરિઅન્ટમાં 6 એરબેગ્સ, રિયર વાઇપર અને ડિફૉગર સહિત 25થી વધુ ઍક્ટિવ અને પૅસિવ સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ મળે છે. જ્યારે ટોપ વેરિઅન્ટમાં આ ફીચર્સની સંખ્યા 40 સુધી પહોંચે છે.
  • આ ઉપરાંત, સ્કોડા સુપર કેર પૅકેજ હેઠળ 4 વર્ષ અથવા એક લાખ કિલોમીટરની સ્ટાન્ડર્ડ વૉરંટી, પ્રથમ બે વર્ષમાં 4 લેબર-ફ્રી સર્વિસ અને 4 વર્ષની 24×7 રોડસાઇડ અસિસ્ટન્સ મળે છે. આ સુવિધાઓ કારની માલિકીનો અનુભવ વધુ સરળ બનાવે છે.

પાવર અને પરફોર્મન્સ

  • નવી સ્કોડા કુશાક માત્ર ટર્બો-પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવે છે, જે તેને પરફોર્મન્સની દૃષ્ટિએ ખાસ બનાવે છે.
  • તેનું 1.0 લિટર 3-સિલિન્ડર TSI ટર્બો-પેટ્રોલ એન્જિન 114 BHPની પાવર અને 178 ન્યૂટન મીટરનો ટૉર્ક ઉત્પન્ન કરે છે. શહેરમાં ઓછી ઝડપે આ એન્જિન સરળતાથી આગળ વધે છે અને હાઇવે પર મિડ-રેન્જ તથા ટોપ-એન્ડમાં શાનદાર ડ્રાઇવિંગ અનુભવ આપે છે. 1000 CC એન્જિનવાળી કાર ચલાવી રહ્યા હોવાનો અનુભવ થતો નથી અને પિકઅપની બાબતમાં પણ આ કાર શાનદાર છે. હાઇવે પર વધુ ઝડપે પણ તે સરળતાથી 15 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે.
  • વધુ શક્તિશાળી પરફોર્મન્સ ઇચ્છતા લોકો માટે 1.5 લિટર 4-સિલિન્ડર TSI એન્જિનનો વિકલ્પ મળે છે. આ એન્જિન 147.5 BHPની પાવર અને 250 ન્યૂટન મીટરનો ટૉર્ક ઉત્પન્ન કરે છે. તેમાં ઍક્ટિવ સિલિન્ડર ટેક્નોલોજી (ACT) આપવામાં આવી છે, જેથી ઓછા લોડ પર ઇંધણની બચત થઈ શકે.

નવું 8-સ્પીડ ઑટોમેટિક ગિયરબોક્સ

  • ગિયરબોક્સની વાત કરીએ તો સ્કોડાની નવી કુશાકમાં મહત્ત્વનું અપગ્રેડ આપવામાં આવ્યું છે. 1.0 TSI એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ઉપરાંત હવે નવું 8-સ્પીડ ટૉર્ક કન્વર્ટર ઑટોમેટિક ટ્રાન્સમિશન પણ મળે છે. તેને ઇંધણની બચત અને સરળ ડ્રાઇવિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે પૅડલ શિફ્ટર્સની મદદથી મેન્યુઅલી ગિયર બદલવાનો વિકલ્પ પણ મળે છે.
  • બીજી તરફ, 1.5 લિટર TSI એન્જિન સાથે 7-સ્પીડ DSG ડ્યુઅલ-ક્લચ ઑટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે ઝડપી ગિયર શિફ્ટિંગ માટે જાણીતું છે.

સસ્પેન્શન સેટઅપ અને રાઇડ ક્વૉલિટી

  • સસ્પેન્શન હાર્ડવેર તરીકે સ્કોડા કુશાકમાં આગળ મૅકફર્સન સ્ટ્રટ અને પાછળ ટ્વિસ્ટ-બીમ ઍક્સલ સેટઅપ જાળવી રાખવામાં આવ્યું છે. સ્કોડાએ તેનું સસ્પેન્શન સંતુલિત રાખ્યું છે. એટલે કે તે જરૂર કરતાં વધારે નરમ પણ નથી અને ખૂબ કડક પણ નથી.
  • શહેરના વ્યસ્ત રસ્તાઓ અને હાઇવે પર તે આરામદાયક રાઇડ આપે છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી કેબિનની અંદર અવાજ સારી રીતે નિયંત્રિત રહે છે. જોકે, વધુ RPM પર 3-સિલિન્ડર એન્જિનનો હળવો સ્પોર્ટી અવાજ સંભળાય છે.

હેન્ડલિંગ, સ્ટિયરિંગ અને બ્રેકિંગ ડાયનેમિક્સ

  • ડ્રાઇવિંગ ડાયનેમિક્સની બાબતમાં સ્કોડા કુશાકને તેના સેગમેન્ટની સંતુલિત અને ડ્રાઇવર-કેન્દ્રિત SUVમાંની એક માનવામાં આવે છે. વળાંક પર તેનો આગળનો ભાગ ઝડપથી દિશા બદલે છે અને હાઇવે પર વધુ ઝડપે પણ કાર પર નિયંત્રણ તથા સ્થિરતાને કારણે વિશ્વાસ જળવાઈ રહે છે.
  • બ્રેકિંગની વાત કરીએ તો 1.5 લિટર TSI વેરિઅન્ટમાં ચારેય પૈડાં પર ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે. જ્યારે 1.0 TSIમાં આગળ ડિસ્ક અને પાછળ ડ્રમ બ્રેક મળે છે. બ્રેક પેડલનો અનુભવ ચોક્કસ છે અને બ્રેકિંગ પણ સારી છે.

વેરિઅન્ટ, કિંમત અને બજારમાં સ્પર્ધા

  • નવી સ્કોડા કુશાકની એક્સ-શોરૂમ કિંમત 10.69 લાખ રૂપિયાથી શરૂ થઈને 19.19 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં Classic+, Signature, Sportline, Prestige અને Monte Carlo જેવા ટ્રિમ્સ મળે છે. 1.0 લિટર અને 1.5 લિટરના પાવરટ્રેન સાથે કુલ 11 વેરિઅન્ટના વિકલ્પો ઉપલબ્ધ છે.
  • ભારતીય બજારમાં સ્કોડા કુશાકનો મુકાબલો સૌથી વધુ વેચાતી હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસની સાથે મારુતિ સુઝુકી વિક્ટોરિસ, ટાટા સીએરા, રેનો ડસ્ટર, ફોક્સવેગન ટાઇગુન અને નિસાન ટેક્ટોન જેવી SUV સાથે છે.
  • જે લોકો મજબૂત બિલ્ડ, 5-સ્ટાર સેફ્ટી, પ્રીમિયમ કેબિન ફીચર્સ અને શક્તિશાળી ટર્બો-પેટ્રોલ ડ્રાઇવિંગ અનુભવ ધરાવતી મજા આપનારી SUV ઇચ્છે છે, તેમના માટે નવી સ્કોડા કુશાક એક શક્તિશાળી વિકલ્પ છે.
Share This Article