₹4.09 lakh crore lost in a day: મંદીમાં ખાબકેલા ભારતીય શેર બજારોમાં આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં અસાધારણ સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. રોકાણકારોને લાખના બાર હજાર જેવી ઘડી દેખાવા લાગી હતી. છેલ્લા પાંચ વર્ષમાં શેર બજારમાં થયેલી કમાણી ચાર મહિનાના ટૂંકાગાળામાં બજારમાં સમાઈ જતી જોઈ રિટેલ રોકાણકારો સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો માટે અફસોસ કરવા સિવાય કંઈ બચ્યું નથી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સોમવારે એક દિવસમાં રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૪.૦૯ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩.૫૧ ટકા એટલે કે ૧૭૬૧.૧૪ પોઈન્ટ તૂટીને ૪૮૩૪૬.૩૭ આવી ગયો છે. જે નીચામાં ૪૭૯૫૯ સુધી ખાબક્યો હતો. બીએસઈ સ્મોલ કેપના ૯૩૯ સ્ક્રિપ-શેરોમાં થયેલા ટ્રેડિંગમાંથી આજે ૮૭૧ શેરોના ભાવો તૂટયા હતા. જ્યારે માત્ર ૬૭ શેરો પોઝિટીવ રહ્યા હતા.
બીએસઈ સ્મોલ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે રૂ.૨,૪૮,૭૧૩ કરોડ ઘટીને રૂ.૭૦,૭૮,૨૫૯ કરોડ રહી ગઈ હતી. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૧૪૪.૦૩ પોઈન્ટ તૂટીને ૪૧૫૭૧.૬૦ રહ્યો હતો. જે નીચામાં ૪૧૪૫૩.૩૭ સુધી ખાબક્યો હતો.
બીએસઈ મિડ કેપ શેરોમાં આજે રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ રૂ.૧,૬૦,૬૯૦ કરોડ ધોવાઈ જઈ રૂ.૬૨,૬૫,૨૪૭ કરોડ રહી ગયું હતું. બીએસઈ મિડ કેપના આજે ૧૩૨ શેરોમાં થયેલા ટ્રેડિંગમાંથી ૧૧૮ નેગેટીવ બંધ રહ્યા સામે માત્ર ૧૪ શેરો પોઝિટીવ બંધ રહ્યા હતા.

