4.24 કરોડ ટન બોક્સાઇટનો જથ્થો કચ્છમાં હોવાની ધારણા

Reena Brahmbhatt
3 Min Read

ભુજ, તા. 29 : કચ્છના પેટાળમાં વિપુલ પ્રમાણમાં જુદા જુદા પ્રકારની ખનિજ સંપત્તિ ધરબાયેલી છે ત્યારે અત્યાર સુધી સામાન્ય લોકો કે એકમો માટે પ્રતિબંધિત ગણાતા બોક્સાઇટના જથ્થા માટેની અનામત વ્યવસ્થા દૂર કરી દેવાતાં 4.24 કરોડ ટનના મોટા બોક્સાઇટ જથ્થા માટે કચ્છમાં પડાપડી થઇ રહી છે. સરકાર દ્વારા ખનનની લીઝ મેળવવા માટેની અડચણો હવે દૂર થઇ જતાં શું આયોજન છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.

main bauxite bokside

- Advertisement -

બોક્સાઇટ એટલે ખૂબ જ કિંમતી ખનિજ ગણવામાં આવે છે. આ જથ્થો કચ્છની ધરતીમાં ભલે મોટી માત્રામાં હોવા છતાં પણ લાંબા સમયથી ખનન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ હવે છૂટછાટ મળી જતાં ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છના લોકોએ બોક્સાઇટવાળી જમીનો ખરીદવા પડાપડી કરી હતી. કચ્છમાં મુંદરા તાલુકાના રામાણિયાથી લઇને નખત્રાણા તા.ના લક્ષ્મીપર, લખપતના ભાડરા, અબડાસાના નરેડી, બાલાચોડ સહિત મુંદરા-માંડવી વિસ્તારની ભૂમિમાં બોક્સાઇટ નીકળી રહ્યું હોવાની જાણકારી મળી હતી. અનામત પ્રથા દૂર થઇ ગઇ છે, તો હવે ક્યાં અટક્યું છે એ જાણવા ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તરશાત્રી ડી. એસ. બારિયાનો સંપર્ક સાધતાં તેમણે વિસ્તૃત વિગતો આપી હતી.

બોક્સાઇટને અનામત રાખવા સરકાર દ્વારા 27/3/21 સુધી સરકારી એજન્સીઓ માટે વ્યવસ્થા હતી. તા. 28/3/21ના જાહેરનામું પ્રસિદ્ધ થયું કે સુધારા માટે અનામત જથ્થો એક વર્ષ માટે માન્ય રહેશે જેના માટે તા. 27/3/23 સુધી નિર્ણય લેવાનો હતો, પણ હવે અનામત પ્રથા હટી જવાથી પબ્લિક સેક્ટર માટે છૂટછાટ આપી દેવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું. કચ્છમાં બોક્સાઇટનો ખનિજ જથ્થો કેટલો હોઇ શકે એ માટે વિગતો આપી કે સર્વે પ્રમાણે 4.24 કરોડ ટન જથ્થો હોવાની શક્યતા છે જેની રોયલ્ટીની રકમ ટનદીઠ રૂા. 150થી 350નો ભાવ છે. એક ટનનો ભાવ રૂા. ત્રણ હજારથી વધારે ગણવામાં આવે છે. એક વખત લિલામી પ્રક્રિયા હાથ ધરાયા બાદ તેના પરથી રોયલ્ટીની રકમ અંગે પ્રકાશ પાડતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારને અંદાજે રૂા. એક હજાર કરોડની રોયલ્ટીની આવક આ બોક્સાઇટમાંથી થઇ શકે તેમ છે. ખનન માટેની લીઝ મંજૂર કરવાની કામગીરી લિલામી બાદ શરૂ કરવામાં આવશે.

- Advertisement -

આ ખનિજમાં સરકારી હોય કે ખાનગી લીઝ?લિલામીથી જ મળશે. આ માટે અરજીઓ આપવાનું શરૂ થઇ ચૂક્યું છે એમ શ્રી બારિયાએ જણાવ્યું હતું. લીઝ મંજૂર કરાવવી હોય તો જગ્યા કેટલી જોઇએ ? એ સવાલ સામે તેમણે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછી 10 એકર જમીન હોય ત્યાં જ બોક્સાઇટની લીઝ મંજૂર થઇ શકે છે. આગામી 30 વર્ષ સુધી બોક્સાઇટના જથ્થાનું ખનન કચ્છમાં થઇ શકે એટલો માલ હોવાની ધારણા તેમણે વ્યક્ત કરી હતી.

Share This Article