મુંબઈ, તા. 19 : સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારમાં ચારે તરફ વેચવાલી ફરી વળતાં બજાર એક ટકા જેટલું તૂટયું હતું. સેન્સેક્સ 738.81 પોઇન્ટ્સ (0.91 ટકા) ઘટીને 80,604.60 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 269.95 પોઇન્ટ્સ (1.09 ટકા) ઘટી 24,530.90 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 355.10 પોઇન્ટ્સ (0.67 ટકા) ઘટીને 52,265.60 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. અમેરિકામાં રિટેલ સેલ્સ, બિલ્ડિંગ પરમિટ, હોમ સેલ્સ અને ઉત્પાદનના આંકડા સુધારા તરફી આવતાં ડોલર ઈન્ડેક્સમાં સુધારા થકી હેજફંડોની સોનાં-ચાંદીમાં નફારૂપી વેચવાલીએ કિંમતી ધાતુ સોનાં-ચાંદીમાં અનુક્રમે રૂા. 1200 અને 2900નો જબ્બર કડાકો બોલી ગયો હતો.

ગત અઠવાડિયા દરમ્યાન અમેરિકાનો ફુગાવો નીચો આવ્યા બાદ ફેડના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા આગામી સપ્ટેમ્બરની બેઠકમાં જ વ્યાજદરમાં કાપ આવી શકે તેવા નિવેદને સોનાં-ચાંદીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને બંને ધાતુમાં તેજી જોવા મળી હતી અને સોનું 2489ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી રિટેલ સેલ્સ, બિલ્ડિંગ પરમિટ અને ઉત્પાદનના આંકડા સારા જાહેર થવાથી ફરી સોનાં-ચાંદીમાં વેચવાલીએ ગાબડું પડયું હતું. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 1200નો જબ્બર ઘટાડે થઈ 75,800 રહ્યા હતા તો ચાંદીમાંયે રૂા. 2900 ઘટી 89,200ના ભાવ રહ્યા હતા. આગામી સપ્તાહમાં મંગળવારે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થશે તે પહેલાં નફા તારવણી થઈ હતી અને તેમાં પણ મિડકેપ અને સ્મોલકેપ ક્ષેત્રોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોના નકારાત્મક વલણની અસર પણ જોવા મળી હતી.
આજના સત્રમાં રોકાણકારોએ રૂા. આઠ લાખ કરોડ ગુમાવ્યા હતા. માઇક્રોસોફ્ટની સેવાઓમાં ટેકનિકલ સમસ્યા ઊભી થતાં વિશ્વભરની કેટલીક એરલાઇન્સો, બેન્કો અને સ્ટોક એક્સ્ચેન્જોની કામગીરી ખોરંભે પડી હતી. ભારતમાં બીએસઈ-એનએસઈની કામગીરીને કોઈ અસર થઈ ન હતી, પરંતુ ઘણા બધા શેરદલાલોનાં કામકાજ ખોરવાઈ જતાં બજાર ઉપર તેની પણ નકારાત્મક અસર થઈ હતી. અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે તેનાં પરિણામોની અનિશ્ચિતતાઓને કારણે વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ ખરાબ હતું. આ ઉપરાંત, ચીનની નબળી આર્થિક સ્થિતિ અને ચીન-અમેરિકા વચ્ચેના વધતા સંઘર્ષને કારણે પણ બજારોમાં ઘાસણી હતી. આ ઉપરાંત, બજેટ પહેલાં સ્થાનિક બજારોમાં સાવચેતીનો માહોલ હતો. મંગળવારે સરકાર કેવું બજેટ રજૂ કરશે તેના ઉપર બધાની નજર છે.

