Boom in second-hand market: સ્માર્ટફોન અને પેસેન્જર વ્હીકલ્સની સતત વધતી કિંમતોને કારણે મોટી સંખ્યામાં ભારતીય ગ્રાહકો હવે રીફર્બિશ્ડ અને સેકન્ડ હેન્ડ સામાન તરફ વળ્યા છે. મોબાઈલ ફોન વેચાણ પર નજર રાખતી સંસ્થા કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ સ્માર્ટફોન વેચાણમાં રીફર્બિશ્ડ અને પ્રી-ઓન્ડ ડિવાઈસીસનો હિસ્સો ૨૬% રહ્યો, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં તે લગભગ ૨૩% હતો. રિસર્ચ ફર્મનું કહેવું છે કે કોવિડ કાળને બાદ કરીએ તો આ બજાર સૌથી ઝડપી ગતિએ વધી રહ્યું છે.
ઓટોમોબાઈલ્સમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સેકન્ડ હેન્ડ કારોનું વેચાણ ૯% વધીને ૬૧ લાખ યુનિટ પર પહોંચી ગયું છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં તે ૫૬ લાખ યુનિટ હતું. તેની સરખામણીએ નવી કારોનું વેચાણ ૮% વધીને ૪૬.૪ લાખ યુનિટ રહ્યું. નવી કારોના વેચાણને સપ્ટેમ્બરમાં જીએસટી રેટ્સમાં ઘટાડાથી થોડો સહારો મળ્યો.
શા માટે વધ્યું વેચાણ?
નિષ્ણાતો અનુસાર, નવેમ્બર પછીથી સ્માર્ટફોનની કિંમતોમાં સતત વધારો થયો છે. તેનું મોટું કારણ મેમરી ચિપ્સની કિંમતોમાં બે થી ત્રણ ગણો વધારો છે. AI ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે આ ચિપ્સની કિંમતો ઝડપથી વધી છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓનું અનુમાન છે કે આ સમયગાળામાં કેટલાક હેન્ડસેટની કિંમતોમાં સરેરાશ વધારો ૩૦ થી ૩૫% ની વચ્ચે રહ્યો છે.
સસ્તા ફોન થયા ગાયબ!
લાવા ઈન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ રૈનાએ કહ્યું કે સતત કિંમતો વધવાને કારણે દસ હજાર રૂપિયાથી ઓછી કિંમત વાળા ૪ જી સ્માર્ટફોન બજારમાંથી લગભગ ગાયબ થઈ ગયા છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ડિરેક્ટર તરુણ પાઠકના મતે, આ વર્ષે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન બજારમાં લગભગ ૧૨% વૃદ્ધિ થવાની આશા છે, જ્યારે નવા સ્માર્ટફોન બજારમાં ૧૧% ઘટાડો આવી શકે છે.
ઓટોમોબાઈલમાં પણ આ વર્ષે બે વાર કિંમતો વધારવામાં આવી ચૂકી છે. આનાથી નવી ગાડીઓ સરેરાશ ૫% મોંઘી થઈ ગઈ છે. Cars24 અનુસાર, સેકન્ડ હેન્ડ કારોની માંગમાં મહાનગરોનો હિસ્સો ૬૬% થી વધુ છે.

