Record Surge in Gold and Silver: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક સોનાના ભાવ ઔશના ૩૦૩૮થી ૩૦૩૯ ડોલરવાળા આજે ઉંચામાં ૩૦૫૭ થયા પછી નીચામાં ભાવ ૩૦૨૫ થઈ ૩૦૪૧થી ૩૦૪૨ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજીને બ્રેક વાગી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૨૯૪ વાળા રૂ.૮૮૧૫૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૬૪૯ વાળા ઉંચામાં રૂ.૮૮૭૬૧ થયા પછી ઘટી રૂ.૮૮૫૦૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૯૯૬૮ વાળા રૂ.૯૯૩૯૨ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચારહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૯ હજાર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૮૪થી ૩૩.૮૫ વાળા આજે ઉંચામાં ૩૩.૯૪ તથા નીચામાં ૩૩.૧૦ થઈ ૩૩.૪૩થી ૩૩.૪૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૯૨થી ૯૯૩ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઉંચામાં૯૬૫ તથા નીચામાં ૯૪૬ થઈ ૯૫૩થી ૯૫૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ધીમો ઘટાડો બતાવતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૫૫ વાળા ઉંચામાં ૭૧.૪૧ થઈ ૭૦.૮૯ ડોલર રહ્યા હતા.
જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૬.૯૦ વાળા ઉંચામાં ૬૭.૭૦ થઈ ૬૭.૨૦ ડોલર રહ્યા હતા. નોર્વેમાં ક્રૂડનું ઉત્પાદન ઘટી પાંચ મહિનાના તળિયે ઉતર્યાના સમાચાર હતા.