Business News: ફેબ્રુઆરીમાં M&A અને PE ડીલ્સ 7.20 અબજ ડોલર પાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Business News: વિતેલા ફેબ્રુઆરીમાં દેશમાં ૭.૨૦ અબજ ડોલરના મૂલ્યના ૨૨૬ મર્જર એન્ડ એક્વિઝિશન (એમએન્ડએ) અને પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) કરાર પાર પડયા હતા જે  છેલ્લા ત્રણ વર્ષમાં  કોઈ એક મહિનામાં વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી વધુ આંક છે.

ફેબ્રુઆરી, ૨૦૨૪ની સરખામણીઅએ વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં કરારમાં મૂલ્યની દ્રષ્ટિએ ૫.૪૦ ટકા અને વોલ્યુમ્સની દ્રષ્ટિએ ૬૭ ટકા વધુ હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

ગયા મહિને ૪.૮૦ અબજ ડોલરના મૂલ્ય સાથેના એમએન્ડએના ૮૫ કરાર પાર પડયા હતા. એમએન્ડએના કુલ સોદામાં વોલ્યુમની દ્રષ્ટિએ ઘરેલુ કરારનો હિસ્સો ૬૮ ટકા મૂલ્યની દ્રષ્ટિએ ૭૮ ટકા હિસ્સો રહ્યો હતો.

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની બજારમાં વિદેશી ઈન્વેસ્ટમેન્ટસમાં ઘટાડા અને ટ્રેડ ટેરિફના ઓછાયા છતા, ભારતમાં કરાર ક્ષેત્રે સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. ઘરઆંગણે મજબૂત માગને કારણે આ સ્થિતિસ્થાપકતા જોવા મળી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૧૪૧ સોદા સાથે પીઈના કુલ ૨.૪૦ અબજ ડોલરના વ્યવહાર પાર પડયા હતા. મે, ૨૦૨૨ બાદ આ સૌથી ઊંચુ પીઈ વોલ્યુમ જોવા મળ્યુ છે.

એમએન્ડએમાં સોદાના વોલ્યુમમાં સ્થિર વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગયા વર્ષના ડિસેમ્બરથી મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. એમએન્ડએમાં સરહદપાર પ્રવૃત્તિ મિશ્ર જોવા મળી રહી છે. સ્ટાર્ટઅપ્સ તથા એમએસએમઈને વેરામાં રાહત, મૂડીખર્ચની ફાળવણીમાં વધારો અને ક્ષેત્ર પ્રમાણે પહેલોને પરિણામે આગળ જતા કરારની પ્રવૃત્તિમાં ખાસ કરીને ઉત્પાદન, ઊર્જા, ઈન્ફ્રા સંચાલનમાં વધારો જોવા મળવાની સંભાવના છે.

Share This Article