નવો ઈતિહાસ રચતાં સેન્સેક્સ 78 હજારને પાર

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા. 25 : બ્લુચિપ શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે લેવાલીએ મુંબઈ શેરબજારના સૂચકાંકે નવો ઈતિહાસ રચતાં પહેલી જ વખત 78 હજારની સપાટી પાર કરી હતી. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી નવી વિક્રમી ટોચે બંધ આવ્યો હતો. 30 શેરોનો બીએસઈ સૂચકાંક 712.44 અંક અથવા 0.92 ટકાના મોટા વધારા સાથે 78,053.પરની નવી ટોચે બંધ આવ્યો હતો. કારોબાર દરમ્યાન બેંચમાર્ક એક ટકો અથવા 823.63 અંક જેટલો ઊંચો જઈ સર્વકાલીન 78164.71ની ટોચને સ્પર્શ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ મહિને એટલે કે 10મી જૂને સેન્સેક્સ 77 હજારની સપાટીને પાર થયો હતો. નિફ્ટી 183.45 અંકની તેજી સાથે નવી 23721.30ની ટોચે બંધ થયો હતો. રિઝર્વ બૅન્કે ચાલુ ખાતાની પુરાંત બાબતના પ્રોત્સાહક સમાચાર જાહેર કરતાં બજારને નવું બળ આપતાં તે નવી વિક્રમ ઊંચાઈએ બંધ રહ્યું હતું.

share bazar

- Advertisement -

બૅન્ક નિફ્ટી 902.05 પૉઇન્ટ (1.74 ટકા) વધીને 52,606 અંકની નવી ઊંચાઈ ઉપર બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં બૅન્ક નિફ્ટી 52,746.50 અંકની નવી સર્વકાલીન ઊંચી સપાટી ઉપર પહોંચ્યા હતા. સેન્સેક્સની 30 કંપનીમાંથી એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્ર, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફીનસર્વ, એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસીસ સર્વાધિક વધ્યા હતા. 2023-24ના ચોથા ત્રિમાસિકમાં દેશના ચાલુ ખાતામાં છેલ્લાં ચાર વર્ષમાં સૌપ્રથમ વાર 5.7 અબજ ડૉલરની પુરાંત જોવા મળી હતી, જે જીડીપીના 0.6 ટકા છે. આ પહેલાંના ડિસેમ્બર ત્રિમાસિકમાં ચાલુ ખાતામાં 8.7 અબજ ડૉલરની ખાધ હતી, જે જીડીપીના 1 ટકા જેટલી હતી. નવી સરકારની મુદતમાં રાજકીય સ્થિરતા અને નીતિઓનું સાતત્ય જળવાઈ રહેવાની શક્યતા બળવત્તર બનતી જતી હોવાથી સટોડિયાઓ તેજીમાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રમાં રોકાણકારોને નવેસરથી રસ જાગ્યો છે. નવી સરકારની રચના બાદ વિદેશી રોકાણ સંસ્થાઓ પણ વેચાણો કાપીને તેજીના ઓળિયાં બાંધી રહી છે. અર્થતંત્રના સાનુકૂળ અહેવાલના પગલે નિફ્ટી બૅન્ક નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક દરેક 1.7 ટકા વધ્યા હતા, જ્યારે નિફ્ટી આઈટી 0.8 ટકા વધ્યો હતો. બીજી તરફ નિફ્ટી રિયાલ્ટી 1.8 ટકા ઘટયો હતો, નિફ્ટી મેટલ 0.7 ટકા અને નિફ્ટી મીડિયા 0.5 ટકા ઘટયો હતો.

Share This Article