ભુજ, તા. 20 : મસ્કતમાં વસતા હજારો ગુજરાતી પરિવારોને હાલ સીધી વિમાની સેવાના અભાવના લીધે પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કોરોનાકાળ પૂર્વે ગુજરાતથી મસ્કત વચ્ચે 17 જેટલી ફ્લાઈટ ઉડાન ભરતી હતી. જો કે, આ કાળ વીતી ચૂક્યાને ખાસ્સો એવો સમય વીતી ચૂક્યો હોવા છતાં આ પૈકીની એક પણ વિમાની સેવા ગુજરાતી પ્રવાસીઓને નસીબ થઈ નથી. એક તરફ વૈશ્વિક પ્રવાસનની વાતો થઈ રહી છે, પણ સીધી વિમાની સેવા ન હોવાનાં કારણે અનેક રોકાણકારો ગુજરાત આવતા અચકાતા હોવાથી વિદેશી હૂંડિયામણમાં પણ મોટો ફટકો વેઠવાનો વારો આવી રહ્યો છે. મૂળ કચ્છ-માંડવીના વતની એવા મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર ચન્દ્રકાંત ચોથાણીએ ભારપૂર્વકની રજૂઆત કરતાં કહ્યું કે, મસ્કતમાં હજારો ગુજરાતી પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. હાલ પોતાનાં વતન આવવા માગતા આ પરિવારોને સીધી વિમાની સેવાનો અભાવ ભારે કનડી રહ્યો છે.

મસ્કતથી અમદાવાદ વચ્ચે સીધી વિમાની સેવા વેળાસર શરૂ થાય તેવી રજૂઆત કરતાં ચન્દ્રકાંતભાઈએ કહ્યું કે, હાલ મસ્કતથી કચ્છ-ગુજરાત આવવા માગતા પ્રવાસીઓ હૈદરાબાદ કે ચેન્નાઈ કે પછી અબુધાબી થઈને અમદાવાદ પહોંચે છે, જેમાં 10થી 12 કલાક જેટલો સમય પહોંચવામાં લાગે છે જ. સીધી વિમાની સેવા શરૂ થાય તો મસ્કતથી અમદાવાદ માત્ર બે કલાકમાં પહોંચી શકાય તેમ છે. આમ સીધી વિમાની સેવાથી ઈંધણ અને સમયની મોટી બચત થઈ શકે તેમ છે.
શ્રી ચોથાણીએ ઉમેર્યું કે મસ્કતમાં વસતા પ000થી વધુ લોકોએ એર ઈન્ડિયા સહિતની વિમાની કંપનીઓને ફ્લાઈટ વેળાસર શરૂ કરવા માટે પત્ર પાઠવ્યો છે. જો આ વિમાની સેવાને લઈ ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો શરૂઆતમાં સપ્તાહમાં બે દિવસ અને પછી જેમ જેમ સમય આગળ ધપતો જાય તેમ તેમ સમય અવધિ વધારવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું.

