Shala Praveshotsav 2026: ગુજરાતમાં શિક્ષણનો ‘મહાયજ્ઞ’, શાળા પ્રવેશોત્સવમાં 16.35 લાખથી વધુ બાળકોનું નવું નામાંકન

Arati Parmar
2 Min Read

Shala Praveshotsav 2026: ગુજરાતમાં શિક્ષણના સ્તરને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને રાજ્યમાં 100 ટકા સાક્ષરતા દર હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026’ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો છે. આ વર્ષે 24મી કડીના આ શૈક્ષણિક મહાયજ્ઞમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળાઓમાં નવું નામાંકન કરાવી એક નવો ઇતિહાસ રચ્યો છે. પ્રવેશોત્સવના અંતિમ દિવસે એટલે કે 25 જૂને રાજ્યભરના 8,287 ગામો અને 12,495 શાળાઓ આ શિક્ષણ ઉત્સવમાં સામેલ થઈ હતી. આ ત્રણેય દિવસના અભિયાનમાં કુલ 25,625 ગામો અને 37,211 શાળાઓને આવરી લેવામાં આવી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન

બાળકોનો ઉત્સાહ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા સહિત કુલ 27,959 પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તે વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી 23 જૂને આ મહાપર્વનો પ્રારંભ થયો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આંકડાકીય રીતે જોઈએ તો, આંગણવાડીથી લઈને ધોરણ-11 સુધીના હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણની કેડી કંડારી છે, જેમાં ‘બેક ટુ સ્કૂલ સર્વે’ દ્વારા 25,070 ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવામાં સફળતા મળી છે.

- Advertisement -

કન્યા કેળવણી અને લોકભાગીદારી

સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે 3,935 વિદ્યાર્થીનીઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કર્યા છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકે. સાથે જ 999 શાળાઓમાં નવી પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ મહોત્સવ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા લોકોત્સવ બન્યો છે, જેમાં દાતાઓએ ખુલ્લા મને સહયોગ આપ્યો છે. સમગ્ર ત્રણ દિવસ દરમિયાન રોકડ અને શૈક્ષણિક સાધનો સ્વરૂપે કુલ 28.97 કરોડ રૂપિયાનું ઐતિહાસિક દાન મળ્યું છે, જે શિક્ષણ પ્રત્યે ગુજરાતની જાગૃતતા દર્શાવે છે.

Share This Article