Ethanol Blending in Petrol: પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ ભેળવવાનો આરોપ, કર્ણાટક સરકારના પરીક્ષણમાં 31.2% સુધીનું પ્રમાણ મળ્યું

Arati Parmar
3 Min Read
Ethanol Blending in Petrol

Ethanol Blending in Petrol: કર્ણાટક સરકારે દેશમાં વેચાતા પેટ્રોલની ગુણવત્તા અને ઇથેનોલ મિશ્રણ અંગે મોટો ખુલાસો કર્યો છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રિઝવાન અરશદે લેબોરેટરી પરીક્ષણનો અહેવાલ જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે IOCL, HPCL, BPCL અને શેલ જેવી મુખ્ય તેલ કંપનીઓ નિર્ધારિત 20 ટકા (E20)ની મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવી રહી છે. પરીક્ષણમાં કેટલાક નમૂનાઓમાં ઇથેનોલનું પ્રમાણ 31.2 ટકા સુધી જોવા મળ્યું છે. રાજ્ય સરકારે તેને ગ્રાહકો સાથેની છેતરપિંડી ગણાવી છે. કેન્દ્ર સરકાર પાસે તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા, પેટ્રોલ પંપો પર ઇથેનોલનું પ્રમાણ દર્શાવવા અને અસરગ્રસ્ત વાહનમાલિકો માટે વળતર ભંડોળ ઊભું કરવાની માંગ કરી છે.

તપાસમાં 20%થી વધુ ઇથેનોલ

કર્ણાટકના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રિઝવાન અરશદના જણાવ્યા મુજબ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા માહિતી ન આપવામાં આવતાં રાજ્ય સરકારે 7-8 જિલ્લાઓમાંથી પેટ્રોલના 63 નમૂના એકત્ર કરીને પ્રયોગશાળામાં તપાસ માટે મોકલ્યા હતા.

- Advertisement -

NABL માન્યતા પ્રાપ્ત ‘શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની તપાસમાં 80 ટકા નમૂનાઓમાં નિર્ધારિત 20 ટકાની મર્યાદા કરતાં વધુ ઇથેનોલ મળી આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ (IOCL)ના નમૂનાઓમાં ઇથેનોલનું પ્રમાણ સૌથી વધુ 31.2 ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)માં 30.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત BPCL, નાયરા અને શેલના નમૂનાઓમાં પણ ઇથેનોલનું પ્રમાણ 22 ટકાથી 27 ટકાની વચ્ચે જોવા મળ્યું હતું.

કર્ણાટક સરકારની ચેતવણી

કર્ણાટક સરકારે ચેતવણી આપી છે કે દેશનાં 99 ટકા વાહનો વધુ પ્રમાણમાં ઇથેનોલ ભેળવેલા ઇંધણ માટે અનુકૂળ નથી. એટલું જ નહીં, એપ્રિલ 2023 પછી બનેલાં E20-કમ્પ્લાયન્ટ વાહનો પણ 20 ટકાથી વધુ ઇથેનોલ સહન કરી શકતાં નથી.

- Advertisement -

વધારાના ઇથેનોલને કારણે ફ્યુઅલ પંપ, ઇન્જેક્ટર, ફિલ્ટર અને સીલ જેવા ભાગો ખરાબ થવાનું જોખમ રહે છે. વાહનોની માઇલેજમાં પણ ઘટાડો થાય છે. રાજ્ય સરકારે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે આવા પેટ્રોલથી વાહનોને નુકસાન થાય તો શું વાહન ઉત્પાદક કંપનીઓ વોરંટી હેઠળ તેનું સમારકામ કરશે?

રાજ્ય સરકારે કેન્દ્ર પાસે આ માંગ કરી

કર્ણાટક સરકારે આરોપ લગાવ્યો છે કે અગાઉ જ્યારે આ નમૂનાઓ કંપનીઓની પોતાની આંતરિક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પોતાના અહેવાલમાં ઇથેનોલના પ્રમાણનો ઉલ્લેખ જ કર્યો નહોતો.

- Advertisement -

રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપો પર ઇથેનોલ મિશ્રણની ટકાવારી ફરજિયાત રીતે દર્શાવવામાં આવે. તેનાથી ગ્રાહકોને પારદર્શક વિકલ્પ મળી શકશે. આ સાથે જ ખરાબ ઇંધણને કારણે નુકસાન પામેલા વાહનોના માલિકોને રાહત આપવા માટે વિશેષ ‘E20 સ્પોઇલેજ ફંડ’ બનાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

કડક કાર્યવાહી કરવા સૂચના

કર્ણાટક સરકારે મોટર સ્પિરિટ અને હાઇ-સ્પીડ ડીઝલ (પુરવઠા અને વિતરણ નિયમન) આદેશ, 2005 હેઠળ અધિકારીઓને પેટ્રોલ પંપો અને પુરવઠા વ્યવસ્થા પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

રાજ્યના ‘મિશન નિખરા’ હેઠળ સમગ્ર કર્ણાટકમાં ઇંધણના નમૂના એકત્ર કરવાની અને પરીક્ષણ કરવાની કામગીરી ચાલુ રહેશે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું વલણ રહ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ચકાસણી અને દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.

જોકે, રોઇટર્સના અહેવાલ અનુસાર, વાહન ઉત્પાદકોના સંગઠન SIAMએ પણ આંતરિક રીતે ઇંધણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Share This Article