Make in Indiaની 12મી વર્ષગાંઠ પર પીયૂષ ગોયલનું નિવેદન, 2025-26માં અત્યાર સુધીનું સૌથી વધુ 94.53 અબજ ડૉલર FDI આવ્યું
FDI India: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2015થી 2026 સુધી દેશમાં કુલ 843 અબજ ડૉલરનું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું. તેમણે કહ્યું કે તેમાં પણ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીનું સૌથી વધુ 94.53 અબજ ડૉલરનું FDI દેશમાં આવ્યું.
મેક ઇન ઇન્ડિયા અભિયાનની 12મી વર્ષગાંઠના અવસરે તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, ‘આંકડાઓમાં ઉત્સાહજનક સ્ટોરી જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં સૌથી વધુ 94.53 અબજ ડૉલરનું વાર્ષિક ડાયરેક્ટ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. નાણાકીય વર્ષ 2014-15થી 2025-26 સુધી કુલ 843 અબજ ડૉલર FDI આવ્યું.’
PLI સ્કીમ બની મોટો સહારો
ગોયલે કહ્યું કે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ્સના કારણે આ વર્ષે 31 માર્ચ સુધી 2.40 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, 23.8 લાખ કરોડ રૂપિયાનું પ્રોડક્શન થયું છે, 15.2 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓની એક્સપોર્ટ થઈ છે, જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 14.6 લાખ રોજગારની તકો ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકૉમ, ફાર્મા, મેડિકલ સાધનો, ઑટોમોબાઇલ્સ, IT હાર્ડવેર અને સ્પેશિયાલિટી સ્ટીલને PLI સ્કીમ્સનો લાભ મળ્યો છે.
ઑસ્ટ્રેલિયા સાથે વાતચીત
ગોયલે કહ્યું કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કૉમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કૉઓપરેશન એગ્રીમેન્ટ (CEPA) અને એક બાઇલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર કામ થઈ રહ્યું છે.
ઑસ્ટ્રેલિયામાં ICAIની પ્રથમ ઓશિયાના ઇન્ટરનેશનલ કૉન્ફરન્સને વર્ચ્યુઅલી સંબોધિત કરતાં ગોયલે કહ્યું કે બંને દેશો એજ્યુકેશન અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાએ 2022માં ઇકોનોમિક કૉઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો અને હવે બંને દેશો CEPA માટે વાતચીત કરી રહ્યા છે.

