અમદાવાદ, તા. 21 : દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરૂપતિ મંદિરમાં વિતરિત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું ઓઇલ અને હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવામાં આવતી હોવાના વિવાદનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. પ્રસાદ બનાવવા વાપરવામાં આવતું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરાતું હોવાની અફવા ફેલાતાં અમૂલ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ફરિયાદમાં અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુકાયો છે. અહીં નોંધવું ઘટે કે, તિરૂપતિ બાલાજી મંદિર વિવાદમાં ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ ફરતું થયું છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, અમૂલે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ને ઘીનો જથ્થો આપ્યો હતો. અમૂલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, `અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમૂલે ક્યારેય ટીટીડીને ઘી આપ્યું નથી.’ પ્રસાદમાં ઘી મામલે અમૂલ દ્વારા ઘી પૂરું પડાયું હોવાના અહેવાલ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ છે, જેમાં તિરૂપતિ મંદિરમાં અમૂલ ઘીનો સપ્લાય કરવામાં નથી આવતો તેવી સ્પષ્ટતા કરી છે.
તેમજ અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ છે. અમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આરોપો પર સ્પષ્ટતા કરી છે. અમૂલે તેનાં નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું ઘી ઈંજઘ પ્રમાણિત સુવિધાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે. આ ઘી અનેક ગુણવત્તાની તપાસમાંથી પસાર થાય છે. તેમાં કોઈ ભેળસેળ નથી તેની ખાતરી કરવા માટે આ વસ્તુનું જિજઅઈં ધોરણો મુજબ પણ પરીક્ષણ કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે આ પોસ્ટનો હેતુ અમૂલ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાના અભિયાનને ખતમ કરવાનો છે. અમૂલને બદનામ કરવા અને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

