By : Reena Brahmbhatt
GDP vs Common Man: ગૌરવ લેવું અને સામે છેડે જમીની વાસ્તવિકતા હોવી તેમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આ વાત અહીં એટલે કરવી છે કેમ કે, હાલમાં જ
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ભારતના નાણાકીય વર્ષ ૨૦૨૬–૨૭ના આર્થિક વિકાસદરનો અંદાજ વધારીને ૭% કર્યો છે. દેશના અર્થતંત્રની વૃદ્ધિની આ આગાહી મહત્ત્વની છે, પરંતુ બીજી તરફ સપ્ટેમ્બર ૨૦૨૬માં છૂટક મોંઘવારી વધીને ૫.૫૪% થઈ અને ખાદ્ય મોંઘવારી ૭.૭૪% સુધી પહોંચી હોવાના અહેવાલો પણ છે. એટલે એક તરફ વિકાસદરના આંકડા ઊંચા છે, તો બીજી તરફ સામાન્ય માણસના રસોડાના બજેટ પર દબાણ પણ વધી રહ્યું છે. અહીં કહેવાનો આશય છે કે,
દુનિયાભર માં જ્યારે પણ કોઈ દેશના વિકાસની વાત થાય છે, ત્યારે જીડીપી કેટલો વધ્યો ? અર્થતંત્ર વિશ્વમાં કેટલા ક્રમે પહોંચ્યું, ?વિદેશી રોકાણ કેટલું આવ્યું અને દેશ કેટલો સમૃદ્ધ બન્યો ?આવા આંકડાઓ ની ચર્ચા થાય છે. જેમાં કોઈપણ સરકાર હોય સરકારો આ આંકડાઓને પોતાની સફળતાના પુરાવા તરીકે રજૂ કરે છે અને લોકોની સામે વિકાસની એક ભવ્ય તસવીર ઊભી કરવામાં આવે છે.જેમાં ક્યાંક લોકો પણ ચકાચોંધ થઇ જાય છે, ગર્વ અનુભવવા લાગે છે.
વેલ તેવામાં અહીં સવાલ માત્ર મોંઘવારીનો નથી. સવાલ એ છે કે દેશનો વિકાસદર ઊંચો હોવા છતાં સામાન્ય માણસને આર્થિક સુરક્ષા, સારી નોકરી, પરિવાર માટે પૂરતી આવક અને ભવિષ્યની નિશ્ચિતતા કેટલી મળે છે? પગારનો મોટો હિસ્સો ઘરખર્ચમાં જતો રહે, બાળકોના શિક્ષણ અને આરોગ્ય પાછળ સતત ખર્ચ કરવો પડે અને મહિના અંતે બચત ન થાય, તો વિકાસનો અનુભવ જીવનમાં ક્યાં થાય?
માન્યું કે જીડીપી દેશના અર્થતંત્રનું કદ અને તેની વૃદ્ધિ દર્શાવે છે, પરંતુ તે દરેક વ્યક્તિની આવક કે ખુશી માપતું નથી. દેશની કુલ આવક વધવી અને દરેક પરિવાર સમૃદ્ધ થવો બે અલગ બાબતો છે. મોંઘવારીનો સરેરાશ દર ઘટે તો પણ દરેક વસ્તુ સસ્તી થઈ જાય એવું નથી. ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખોરાક, દવા, ભાડું અને શિક્ષણના ખર્ચમાં વધારો જીવનને વધુ મુશ્કેલ બનાવી શકે છે.
ત્યારે અહીં વધુમાં આ આંકડાકીય માયાજાળ સમજીયે તો, ધારો કે કોઈ દેશની જીડીપીમાં મોટો વધારો થયો. મોટી કંપનીઓનો નફો વધ્યો, શેરબજારમાં તેજી આવી, નવા ઉદ્યોગો શરૂ થયા અને દેશની સંપત્તિમાં વધારો થયો. પરંતુ એ જ દેશમાં સામાન્ય પરિવારને ઘરનું ભાડું ભરવામાં મુશ્કેલી પડતી હોય, યુવાનોને યોગ્ય પગારવાળી નોકરી ન મળતી હોય, મોંઘવારીને કારણે બચત ઘટતી હોય અને સારવાર તથા શિક્ષણનો ખર્ચ પરવડતો ન હોય, તો આ વિકાસનો લાભ કોને મળ્યો?
શું વર્ષોથી કોઈ કપડાના શો રૂમમાં 15,000 ની કે 20,000 ની નોકરી કરતી તે વ્યક્તિનો પગાર વધ્યો ? તેની લાઈફ સ્ટાઇલ સુધરી ? સમાજમાં આવો વર્ષોથી અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કામદારો નો વર્ગ બહુ મોટો છે.જેઓ સવાર થી સાંજના બે છેડા એકઠા કરવા સતત સંઘર્ષમાં અને સ્ટ્રેસમાં રહે છે.તેથી જ આ અગાઉની શનિવારની પોસ્ટમાં દુનિયાના ખુશહાલ કે હેપીનેસ કન્ટ્રીની વાત કરી હતી.અહીં ખાલી ઉત્પાદનો નથી વધતા લોકોના જીવનમાં સંઘર્ષ ને બદલે ખુશી અનુભવાય તેવા પ્રયાસો આ દેશોમાં કરવામાં આવે છે. ત્યારે મુદ્દો અહીં તે જ સમજવાનો છે કે, દેશની સમૃદ્ધિનો આંકડો વધ્યો, પરંતુ સામાન્ય માણસની આર્થિક સુરક્ષા ન વધી હોય તો વિકાસની આ સફળતાને કેવી રીતે માપવી?
બાય ધ વે, ત્યારે સાચો વિકાસ માત્ર જીડીપી કે વિકાસદરના આંકડામાં નહીં, માનવ વિકાસ સૂચકાંક (HDI) અને લોકોની જીવનગુણવત્તામાં પણ દેખાવો જોઈએ. એચડીઆઈ (HDI) માં આયુષ્ય અને આરોગ્ય, શિક્ષણ તથા જીવનધોરણને મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે દેશની પ્રગતિનો અર્થ માત્ર વધુ ઉત્પાદન નહીં, પરંતુ લોકોને સ્વસ્થ રહેવાની, ભણવાની અને સન્માનજનક જીવન જીવવાની વધુ સારી તકો મળવી પણ છે.
ત્યારે ખરેખર જે દેશમાં સાચો વિકાસ જોઈતો હોય કે કરવો હોય , લોકોનું જીવન સ્તર ઊંચું લાવવું હોય તો, જીડીપી જૂનું વર્જન છે જે નરી ભ્રમણા ફેલાવે છે. હવે જીડીપી ને દેશના વિકાસનો આયામ સમજવાને બદલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ને ખાસ તો ભારતમાં પ્રાધાન્ય આપવું જોઈએ.તો જ સમાજના છેવાડા ના માણસના જીવનની બુનિયાદી જરૂરિયાતો પુરી થશે.બાકી હજી આપનો વિકાસ રોડ-રસ્તાઓ સુધી જ અટવાયેલો પડ્યો છે, આઝાદી કાળ થી ચાલી આવતી આ પેટર્ન સુધારવી જરૂરી છે.ભ્રમણાઓ નહી સત્ય જોઈએ.ત્યારે અહીં આ સાથે આપણે આજે, અહીં થોડી જીડીપી વિષે પણ સમજણ મેળવીયે તો,
જીડીપી એટલે દેશમાં એક નિશ્ચિત સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતી વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય. આર્થિક વિકાસ માપવા માટે તે મહત્ત્વનો માપદંડ છે, પરંતુ તેનાથી દેશના દરેક નાગરિકની આવક કેટલી છે, સંપત્તિ કોની પાસે છે કે જીવન કેટલું સરળ બન્યું છે તેની સીધી ખબર પડતી નથી.
આ બાબત સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ.
કોઈ દેશમાં 100 પરિવારો છે. તેમાંથી 10 પરિવારોની આવક ખૂબ ઝડપથી વધી જાય છે, જ્યારે બાકીના 90 પરિવારોની આવક ધીમી ગતિએ વધે છે. દેશના કુલ ઉત્પાદન અને આવકના આંકડા ઊંચા જઈ શકે છે, પરંતુ મોટાભાગના પરિવારોને વિકાસનો લાભ પ્રમાણમાં ઓછો મળે છે.એટલે જ અહીં દેશની કુલ જીડીપી વધવી અને સામાન્ય પરિવારોની આવક વધવી બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.જેને અહીં થોડા ઉદાહરણો સાથે ઇનડીટેલ સમજીયે,
વિકાસના દાવા અને સામાન્ય માણસની વાસ્તવિકતા વચ્ચેના 7 સાવ બેઝિક સવાલ
1.દેશની જીડીપી વધે છે, તો પગાર પણ એ જ પ્રમાણમાં વધે છે?
જો પગાર 5 ટકા વધે, પરંતુ જીવનજરૂરી વસ્તુઓ અને સેવાઓનો ખર્ચ તેના કરતાં વધુ વધે, તો વ્યક્તિની ખરીદશક્તિ ઘટી શકે છે. એટલે માત્ર પગાર કેટલો વધ્યો તે નહીં, પણ ખર્ચ બાદ કેટલું બચ્યું તે પણ જોવું જોઈએ.
2.દેશ સમૃદ્ધ બને છે, તો નોકરીઓની ગુણવત્તા સુધરે છે?
માત્ર રોજગારીની સંખ્યા પૂરતી નથી. નોકરી કાયમી છે કે કોન્ટ્રાક્ટ આધારિત ? પગાર પૂરતો છે કે નહીં, સામાજિક સુરક્ષા મળે છે કે નહીં અને યુવાનોને તેમની લાયકાત પ્રમાણે કામ મળે છે કે નહીં આ સવાલો પણ એટલા જ મહત્ત્વના છે.
3. અર્થતંત્ર વધે છે, તો મધ્યમ વર્ગને રાહત મળે છે?
ઘર ખરીદવું, બાળકોને સારું શિક્ષણ આપવું, પરિવારની સારવાર કરાવવી અને ભવિષ્ય માટે બચત કરવી સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બનતી હોય, તો માત્ર આર્થિક વૃદ્ધિની જાહેરાતથી તેના જીવનમાં મોટો ફેરફાર આવતો નથી.
4. કંપનીઓનો નફો વધે છે, તો કર્મચારીઓની આવક પણ વધે છે?
આર્થિક વૃદ્ધિનો કેટલો હિસ્સો પગાર અને રોજગારી દ્વારા કામદારો સુધી પહોંચે છે અને કેટલો હિસ્સો નફા તથા મૂડીની આવક તરીકે જાય છે, તે જોવું પડે.ઓઇસીડી ના વિશ્લેષણ મુજબ, કેટલીક અર્થવ્યવસ્થાઓમાં વૃદ્ધિનો લાભ વધુ આવક અને સંપત્તિ ધરાવતા વર્ગ તરફ અસમાન રીતે વહેંચાયો છ
5. દેશની સરેરાશ આવક વધે છે, તો ગરીબી આપોઆપ દૂર થાય છે?
ના. સરેરાશ આંકડો દરેક વ્યક્તિની સ્થિતિ દર્શાવતો નથી. વિશ્વ બેંકે પણ નોંધ્યું છે કે વિકાસનો લાભ મહત્તમ લોકો સુધી ન પહોંચે તો ગરીબી ઘટાડવાની પ્રક્રિયા ધીમી રહી શકે છે. એટલા માટે સૌથી ઓછી આવક ધરાવતા લોકોની આવક કેટલી વધી તે તપાસવું જરૂરી છે.
6. જીડીપીમાં પર્યાવરણ અને જીવનની ગુણવત્તાનો હિસાબ કેટલો દેખાય છે?
જીડીપી દેશના આર્થિક ઉત્પાદનનું માપ છે, તે સ્વચ્છ હવા, પીવાનું શુદ્ધ પાણી, માનસિક શાંતિ, કામના કલાકો, પરિવાર સાથે વિતાવેલો સમય અને પર્યાવરણને થયેલા નુકસાન અંગે તેમાં કોઈ ગાંણાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
7. વિશ્વમાં આર્થિક ક્રમ સુધરે, તો દરેક નાગરિકનું જીવન પણ સુધરે છે?
કોઈ દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવે, એ મહત્ત્વની સિદ્ધિ હોઈ શકે છે. પરંતુ દેશનો આર્થિક ક્રમ અને દરેક નાગરિકનું જીવનધોરણ એક જ માપદંડ નથી. માથાદીઠ આવક, વાસ્તવિક વેતન, ગરીબી, આરોગ્ય, શિક્ષણ અને આવકની વહેંચણી પણ જોવી પડે.
ત્યારે આખરમાં આપણે જીડીપી કે વિકાસના વધતા આંકડાઓ વચ્ચે સામાન્ય માણસનું જીવન ધોરણ પણ સુધરે અને તે ખુશી નહીં તો બે ટન્ક પૂરતું ભોજન અને સાંજ ની ચિંતાથી મુક્ત થઇ એક સૂકુંન ભર્યું જીવન જીવે તે બાબતને પ્રાધાન્ય અપાય.આ માટે હવે એચડીઆઈ ને મતલબ હ્યુમન ડેવલમેન્ટને જ મહત્વનું માનવામાં આવે.
કોઈ દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવે, એ મહત્ત્વની સિદ્ધિ હોઈ શકે છે. પરંતુ દેશનો આર્થિક ક્રમ અને દરેક નાગરિકનું જીવનધોરણ એક જ માપદંડ નથી. માથાદીઠ આવક, વાસ્તવિક વેતન, ગરીબી, આરોગ્ય, શિક્ષણ અને આવકની વહેંચણી પણ જોવી પડે. હેપીનેસ ઈન્ડેક્ષની ચર્ચા ફરી ક્યારેક કરીશું.

